Get The App

દિગ્ગજ અભિનેત્રીના ઘરે ચોર ત્રાટક્યો, ડાયમંડ નેકલેસ-રોકડ સાથે રફુચક્કર થયા બાદ પોલીસે પકડ્યો

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
દિગ્ગજ અભિનેત્રીના ઘરે ચોર ત્રાટક્યો, ડાયમંડ નેકલેસ-રોકડ સાથે રફુચક્કર થયા બાદ પોલીસે પકડ્યો 1 - image


બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી પૂનમ ઢિલ્લોનના મુંબઈ સ્થિત ઘરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. ચોર અભિનેત્રીના ઘરના કબાટમાંથી ડાયમંડ નેકલેસ, રોકડ અને યુએસ ડોલરની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે.

ચોરની ધરપકડ

મુંબઈની ખાર પોલીસે પૂનમ ઢિલ્લોનના મુંબઈના ખાર સ્થિત ઘરમાંથી લગભગ રૂ. 1 લાખની કિંમતનો ડાયમંડ નેકલેસ, રૂ. 35,000 રોકડા અને કેટલાક યુએસ ડોલરની ચોરી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પૂનમના ઘરમાં પેઈન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું. 28 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી આ ચોર આ ફ્લેટમાં પેઈન્ટિંગનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન આરોપીએ તકનો લાભ લઈ કબાટ ખુલ્લો જોઈ ત્યાંથી કિંમતી સામાનની ચોરી કરી લીધી હતી.


આરોપીએ ચોરી કરેલા પૈસા પાર્ટીમાં ખર્ચી નાખ્યા

અભિનેત્રી પૂનમ મોટાભાગે જુહુમાં રહે છે. તેમનો પુત્ર અનમોલ ખારમાં સ્થિત ઘરમાં રહે છે. અભિનેત્રી ક્યારેક-ક્યારેક પુત્રના ઘરે રોકાતી હતી. આરોપીએ પૂનમના ઘરેથી ચોરાયેલી રોકડમાંથી થોડી રકમ પાર્ટીમાં ખર્ચી નાખી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પૂનમનો પુત્ર અનમોલ દુબઈથી પરત ફર્યો ત્યારે તેને કેટલીક વસ્તુઓ ગાયબ દેખાઈ હતી. અનમોલે તરત જ પોલીસમાં ફરિયાદ કરી અને ત્યારે અંસારીએ ઘરમાં ચોરી કરી હોવાની વાત સામે આવી છે. 

આ પણ વાંચો: 100 વખત રિજેક્ટ થઈ, ચાલીમાં 25 વર્ષ વીતાવ્યાં.. મુન્નાભાઈ MBBSની અભિનેત્રીએ સંઘર્ષના દિવસો યાદ કર્યા

આરોપીએ ગુનો કબૂલી લીધો

આ મામલે ખાર પોલીસ સ્ટેશને મીડિયાને જણાવ્યું કે, 'મુંબઈ પોલીસે 37 વર્ષીય પેઈન્ટર સમીર અંસારીની અભિનેત્રી પૂનમ ઢિલ્લોનના ખાર સ્થિત ઘરમાંથી ડાયમંડ નેકલેસ, 35,000 રૂપિયા રોકડા અને યુએસ ડોલરની ચોરી કરવા બદલ ધરપકડ કરી છે. પેઈન્ટિંગ કામ માટે આવેલા અંસારીએ ખુલ્લા કબાટમાંથી કિંમતી સામાનની ચોરી કરી હતી અને પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.


Google NewsGoogle News