કલ્કિમાં મહાભારતની કથા સાથે ચેડાં થતાં મુકેશ ખન્ના નારાજ
- પ્રભાસની આદિપુરુષ પછી બીજી ફિલ્મમાં પણ છૂટછાટ
- કૃષ્ણ અશ્વત્થામાને ભવિષ્યમાં પોતાની રક્ષા કરવાનું કહે એ વાત જ સાવ વિચિત્ર લાગે છે
મુંબઇ : પ્રભાસ અને દીપિકાની ફિલ્મ 'કલ્કિ ૨૮૯૮ એડી'માં મહાભારતની મૂળ કથામાં ચેડાં કરાયાં હોવાનો દાવો મુકેશ ખન્નાએ કર્યો છે. ટીવી સિરિયલ 'મહાભારત'માં પિતામહ ભીષ્મની ભૂમિકા ભજવી ચૂકેલા મુકેશ ખન્નાએ કહ્યું છે કે આ ફિલ્મમાં એવી કેટલીક વાતો દેખાડાઈ છે જે મૂળ મહાભારતમાં ક્યાંય છે જ નહીં.
મુકેશ ખન્નાએ કહ્યું હતું કે ફિલ્મમાં દર્શવાયું છે કે શ્રીકૃષ્ણ અશ્વત્થામાને ભવિષ્યમાં કલ્કિ અવતારમાં તેની રક્ષા કરવાનું કહે છે. આ વાત જ ગળે ઉતરે તેવી નથી. શ્રીકૃષ્ણને કલ્કિના રક્ષણની શા માટે જરુર પડવી જોઈએ. આ ઉપરાંત અશ્વત્થામાને તેનો મણિ કાઢી લેવાનું દ્રૌપદીેએ કહ્યું હતું તેવું મૂળ કથાનક છે. પરંતુ, આ ફિલ્મમાં દ્રૌપદીને બદલે કૃષ્ણને આમ કરતા દેખાડાયા છે.
તેણે કહ્યું હતું કે પ્રભાસની 'આદિપુરુષ'માં પણ સંખ્યાબંધ છૂટછાટો લેવાઈ હતી. આ ફિલ્મમાં પણ ચેડાં કરાયાં છે. આવી બધી વાતોનો સનાતની સમુદાય દ્વારા વિરોધ થવો જોઈએ.
જોકે, તેણે ફિલ્મની પ્રોડક્શન વેલ્યૂની પ્રશંસા કરી હતી.