અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે બની શકે છે સરકારના સર્વાઇકલ કેન્સર અભિયાનનો ચહેરો
નવી મુંબઇ,તા. 7 ફેબ્રુઆરી 2024, બુધવાર
છેલ્લા કેટલાક દિવસોથી પૂનમ પાંડે તેના મૃત્યુની અફવાને કારણે ચર્ચામાં છે. હવે એકટ્રેસને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. પૂનમ પાંડે અને તેની ટીમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે વાતચીત કરી રહી છે. પૂનમ પાંડે સર્વાઇકલ કેન્સર અંગે સરકારના ચાલી રહેલા જાગૃતિ કાર્યક્રમની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે.
આ મહિનાની શરૂઆતમાં, પૂનમ પાંડેની પીઆર ટીમે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અભિનેત્રીના મૃત્યુના ખોટા સમાચાર પોસ્ટ કર્યા હતા. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, અભિનેત્રીનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. બીમારીના કારણે અભિનેત્રીના અચાનક મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ બીજા જ દિવસે ખબર પડી કે આ સમાચાર ફેક છે અને પૂનમે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે આ સ્ટંટ કર્યો હતો. પૂનમ પાંડે અચાનક જીવંત થઈ ગઈ
3 ફેબ્રુઆરીએ પૂનમ પાંડેએ એક વીડિયો પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, તે જીવિત છે. તેણે કહ્યું કે 'હું આ કરવા માટે મજબુર હતી. હું તમારા બધા સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતો શેર કરી રહ્યી છું, હું અહીં છું અને જીવતી છું. સર્વાઇકલ કેન્સરથી મારું મોત નથી થયું પરંતુ આ રોગનો સામનો કેવી રીતે કરવો તેની માહિતીના અભાવને કારણે તેણે હજારો મહિલાઓના જીવ લીધા છે.
'અવેરનેસ માટે મેં મારા મોતનું નાટક કર્યું '
પૂનમે આગળ કહ્યું- 'અન્ય કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સરને રોકી શકાય છે. મહત્વની વાત એ છે કે, આ માટે એચપીવી રસી અને પ્રારંભિક તપાસ પરીક્ષણોના પારખવા અને સારવાર લેવી. અમારી પાસે એ સુનિશ્ચિત કરવાના સાધનો છે કે, આ રોગથી કોઈનું મૃત્યુ ન થાય. પૂનમે કહ્યું કે, તેણે સર્વાઇકલ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા માટે જ તેના મૃત્યુની અફવા ફેલાવી હતી.