મિથુન ચક્રવર્તીના પહેલા પત્ની હેલેના લ્યુકનું નિધન, ‘મર્દ’ ફિલ્મમાં કામ કરીને લોકચાહના મેળવી હતી
Helena Luke Passsed Away: મિથુન ચક્રવર્તીના પ્રથમ પત્ની હેલેના લ્યુકનું 3 નવેમ્બર 2024ના રોજ નિધન થઇ ગયું છે. હેલેના લ્યુક અમેરિકામાં રહેતા હતા. તેમણે 1985માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'મર્દ'માં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તબિયત ખરાબ થતા થયું મૃત્યુ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેલેના લ્યુકના મૃત્યુનું કારણ તાજેતરમાં તેની તબિયત ખરાબ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેમજ તબિયત ખરાબ હોવા છતાં અભિનેત્રીએ ડૉક્ટરની સલાહ લીધી ન હતી. હાલ હેલેનાના મૃત્યુ પછી, તેમણે સોશિયલ મીડિયા પર કરેલી છેલ્લી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ અભિનેત્રીએ તેના મૃત્યુના બે દિવસ પહેલા જ કરી હતી, આ પોસ્ટમાં તેમણે પોતે પરેશાન હોવાનું જણાવ્યું હતું.
ચાર મહિનામાં જ થયા છૂટાછેડા
સારિકા સાથેના બ્રેકઅપ બાદ મિથુન હેલેનાના પ્રેમમાં પડ્યા હતા, ત્યારબાદ મિથુન ચક્રવર્તી અને હેલેનાએ વર્ષ 1979માં લગ્ન કરી લીધા. પરંતુ બંનેનો આ સંબંધ લાંબા સમય સુધી ચાલી શક્યો નહીં. લગ્નના ચાર મહિના પછી બંનેએ છૂટાછેડા લઈ લીધા. હેલેનાથી છૂટાછેડા લીધા પછી મિથુને યોગિતા બાલી સાથે લગ્ન કર્યા.
મિથુન સાથે લગ્ન કરવા એ મારી ભૂલ હતી- હેલેના
એક જૂના ઈન્ટરવ્યુમાં હેલેનાએ કહ્યું હતું કે, 'મિથુન સાથે લગ્ન કરવા એ મારી ભૂલ હતી. આ લગ્ન મારા માટે દુઃસ્વપ્નથી ઓછું ન હતું.' હેલેનાએ અફસોસ સાથે કહ્યું હતું કે 'મિથુન મારે પ્રેમમાં ન હતો. આવું ક્યારેય ન થયું હોત તો જ સારું હતું. છૂટાછેડા પછી મે મિથુન પાસે ભરણપોષણ પણ માંગ્યું ન હતું.'
મિથુનથી અલગ થયા બાદ ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે કર્યું કામ
આ સિવાય જો હેલેના લ્યુકની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમણે 'આઓ પ્યાર કરે', 'દો ગુલાબ' અને 'સાથ સાથ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ હેલેના વર્ષોથી ન્યૂયોર્કમાં રહેતા હતા અને એક એરલાઇન્સમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરતા હતા.