'બિગ બોસ 16' ફેમ અર્ચના ગૌતમ સાથે કોંગ્રેસ કાર્યાલય બહાર ગેરવર્તણૂક કરાઈ, VIDEO વાયરલ
Image Source: Twitter
- આ સમગ્ર મામલે અર્ચના ગૌતમે મૌન સાધ્યુ
નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર 2023, શનિવાર
બિગ બોસ 16 બાદ ખતરો કે ખિલાડી 13થી ચર્ચામાં આવેલી ટીવી એક્ટ્રેસ અર્ચના ગૌતમ ફરી એક વખત ચર્ચામાં છે. અર્ચના ગૌતમ વર્ષ 2021માં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ હતી. તાજેતરમાં જ તે નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાટર પોતાના પિતા સાથે પહોચી હતી. આ દરમિયાન કોંગ્રેસ કાર્યાલય બહાર તેની સાથે ગેરવર્તણૂક કરાઈ હતી. જોક, આ સમગ્ર મામલે અર્ચના ગૌતમે મૌન સાધ્યુ છે પરંતુ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અર્ચના ગૌતમ આમ તો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. તે મોટા ભાગે દેશમાં થતાં મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતી હોય છે. પરંતુ તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં અર્ચના ગૌતમ અને તેમના પિતા સાથે રસ્તા પર જાહેરમાં દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જોકે, અર્ચનાએ આ મામલે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો છે.
પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેને અભિનંદન પાઠવવા માટે પહોંચી હતી
અર્ચના ગૌતમ અને તેમના પિતા દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલય પર પહોંચ્યા હતા. તેઓ ઓફિસની અંદર જવાનો પ્રયત્ન કરી હતા પરંતુ બહાર ઉભેલા કેટલાક લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. અર્ચના ગૌતમ અને તેમના પિતાએ જણાવ્યું કે, તેઓ સંસદમાં મહિલા બિલ પાસ થવા પર પાર્ટી નેતા પ્રિયંકા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને અભિનંદન પાઠવવા માટે ત્યાં પહોંચ્યા હતા.
અર્ચના પિતાએ પ્રિયંકા ગાંધીના પીએ પર કેસ દાખલ કર્યો હતો
કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુસ્સામાં આવું કર્યું કારણ કે, અભિનેત્રીના પિતાએ આ વર્ષે માર્ચમાં પ્રિયંકા ગાંધીના પીએ સંદીપ સિંહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમના પીએએ તેમની પુત્રીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. મેરઠ પોલીસે આ મામલે IPCની કલમ 504, 506 અને SC ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.