Get The App

કચ્છમાં મોબાઇલ ગેમના લીધે સગીરની ગળું કાપી કરપીણ હત્યા, ત્રણ મિત્રો શંકાના દાયરામાં

Updated: Mar 12th, 2025


Google News
Google News
કચ્છમાં મોબાઇલ ગેમના લીધે સગીરની ગળું કાપી કરપીણ હત્યા, ત્રણ મિત્રો શંકાના દાયરામાં 1 - image


Rapar Murder Case:  કચ્છના રાપર તાલુકાના બેલા ગામે માત્ર 12 વર્ષના સગીરની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરાતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસ સૂત્રોના અનુસાર મંગળવારે બપોરે  રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી. આ મામલે ત્રણ મિત્રો શંકાના દાયરામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. 

બેલા ગામની અલીયાજીની વસ્તીમાં રહેતા પ્રવીણ નામેરી રાઠોડ (ઉં.13) નામના સગીરનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારવામાં આવ્યા હોવાથી તેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. મૃતકના ભાઈ દ્વારા જાણવા જોગ કરતાં બાલાસર પોલીસે પોસ્ટમોર્ટમ તથા ફરિયાદ નોંધાવા સહિતની કામગીરી હાથ ધરી હતી. માત્ર તેર વર્ષના સગીરની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી પડી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હત્યારાઓ દ્વારા સગીરને ગળાનાં ભાગે ઉપરાછાપરી તીક્ષ્ણ હથિયારથી ઘા મરાયા હતા, તો હાથની હથેળીઓ ઉપર અને પેટના ભાગે પણ ઊંડા ઘા માર્યાના નિશાન જોવા મળ્યા હતા. 

આટલા ઘા મારવા પાછળનો શું ઉદ્દેશ્ય હશે તે હજુ અકબંધ રહ્યો હતો. કારણ કે માત્ર તેર વર્ષની ઉંમરના સગીર ઉપર આટલી નિર્દયતાથી ઝનૂની રીતે હુમલો કરી હત્યા થતા પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી. આ મામલે બાલાસર પોલીસે ત્રણ યુવકને પૂછપરછ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આરોપીઓમાં એક તો કૌટુંબિક હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા,  આરોપીઓ પણ સગીર વયના હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઓનલાઈન ગેમ કારણ બની હતી 

રાપર સરકારી હોસ્પિટલ ખાતે લવાયેલા સગીરના મૃતદેહ બાબતે તેના ભાઈએ જણાવ્યું કે સગીર છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. સવારે અમારી સાથે જીરું વાઢવા આવ્યો હતો અને બપોરે ઘરેથી જમીને તેના મિત્રો સાથે નજીક આવેલા બિલેશ્વર મહાદેવનાં મંદિર પાસે આવેલા બગીચામાં ગેમ રમતા હતા. જ્યાં કોઈ કારણોસર સગીર ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારાયો હોય તેવું નજીકના લોકો સાથે વાતચીતમાં જણાવી રહ્યા છે. સગીર વયના બાળકની હત્યાના બનાવ અંગેની જાણ થતાં ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

Tags :
RaparMobile-GameRaperMurder-Case

Google News
Google News