ઈલોન મસ્કની માતા મેય મસ્ક જેક્લિન સાથે સિદ્ધિવિનાયકનાં દર્શને
- મેય મસ્ક પોતાનાં પુસ્તક માટે ભારતમાં
- ઈલોન મસ્કે માતાને બર્થ ડે બૂકે મુંબઈમાં જ મોકલાવ્યો : જેક્લિનના સંગાથથી અનેક અટકળો
મુંબઈ : ઈલોન મસ્કના માતા મેય મસ્ક આજકાલ ભારતમાં છે. તેમણે પોતાનો જન્મદિન પણ ભારતમાં જ મુંબઈમાં ઉજવ્યો છે. મેય મસ્કએ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝ સાથે મુંબઈનાં પ્રભાદેવી ખાતે આવેલાં સિદ્ધિ વિનાયક મંદિર ખાતે દર્શન કર્યાં હતાં.
મેય મસ્ક અને જેક્લિન રવિવારે સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન માટે આવ્યાં હતાં. આ વખતે જેક્લિન યલો કલરનાં સંપૂર્ણ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી. તેણે માથે દુપટ્ટો ઢાંકીને ભગવાનનાં દર્શન કર્યાં હતાં. તેની આ ચેષ્ટાની ઈન્ટરનેટ પર ભારે પ્રશંસા થઈ હતી. મેય મસ્ક પણ યલો રંગના વસ્ત્રોમાં તેની સાથે જોવા મળ્યાં હતાં.
મેય મસ્ક એક ડાયેટિશિયન, રાઈટર અને સુપર મોડલ પણ છે. તેઓ પોતાના પુસ્તક 'એ વૂમન મેક્સ એ પ્લાન'નાં હિંદીમાં લોન્ચ માટે આજકાલ ભારતમાં છે. તેમણે પોતાનો જન્મદિવસ પણ મુંબઈમાં જ ઉજવ્યો હતો. ઈલોન મસ્કે માતાને મુંબઈમાં બર્થ ડે નિમિત્તે બૂકે પહોંચાડયો હતો. મેયએ ઈલોન મસ્કની માલિકીનાં જ પ્લેટફોર્મ 'એક્સ' પર આ બૂકેની તસવીરો શેર કરી તેના માટે પોતાના પુત્રનો આભાર માન્યો હતો .મેય મસ્કનો જન્મ ૧૯૪૮માં કેનેડામાં થયો હતો. તેઓ એક સમયનાં સુપર મોડલ રહી ચૂક્યાં છે.
વિશ્વનાં તમામ પ્રતિષ્ઠિત ફેશન મેગેઝિન્સના કવર પર તેમની તસવીરો છપાઈ ચૂકી છે. તેમણે ફૂડ એન્ડ ન્યુટ્રિશિયન પર માસ્ટર્સ ડિગ્રી મેળવી છે અને તાજેતરમાં જ ટોરેન્ટો યુનિવર્સિટી દ્વારા તેમને ડોક્ટરેટ પણ એનાયત થઈ ચૂકી છે.