ધર્મેન્દ્રની દૌહિત્રીનાં લગ્ન, દેઓલ પરિવાર ઉદયપુરમાં
- સની-બોબીની બહેન અમેરિકામાં રહે છે
મુંબઇ : દેઓલ પરિવારમાં ફરી એક લગ્ન પ્રસંગ આવ્યો છે. સની અને બોબી દેઓલની બહેન અજિતા દેઓલની દીકરી નિકિતાનાં લગ્ન ઉદયપુરમાં થવાનાં છે. તે માટે સમગ્ર દેઓલ પરિવાર ઉદયપુર પહોંચી રહ્યો છે.
સની દેઓલના પુત્રની જેમ આ લગ્નમાં પણ હેમાના પરિવારની હાજરીની નહીંવત્ત શક્યતા
સની દેઓલે આ લગ્નની તમામ જવાબદારી પોતાના માથે લીધી છે. બહેન અજિતા અમેરિકા રહેતી હોવાથી સ્થાનિક યજમાન તરીકેની ભૂમિકા સની દેઓલ ભજવી રહ્યો છે. સની દેઓલની ટીમ હોટલ બુકિંગથી માંડી સમગ્ર લગ્ન પાર પાડવા માટે સક્રિય છે.
નિકિતાનાં લગ્નનાં વિવિધ ફંકશન તા. ૩૧મી સુધી ચાલશે. મહેંદી, સંગીત સહિતની પંજાબી વિધિઓ અનુસાર લગ્નમાં કુલ ૨૫૦ મહેમાનો સામેલ થવાના છે.
સની દેઓલના પુત્રના લગ્નમાં ખુદ સનીએ આમંત્રણ આપ્યું હોવા છતાં ઈશા કે આહના હાજર રહ્યાં ન હતા. હવે નિકિતાનાં લગ્નમાં પણ ઈશા, આહના કે હેમા માલિનીના પરિવારની હાજરી હોવાની શક્યતા નહીંવત્ત છે.
સની દેઓલના દીકરાના લગ્નમાં હેમાનો પરિવાર હાજર ન રહ્યો તે અંગે ધર્મેન્દ્રએ જાહેરમાં અફસોસ પણ વ્યક્ત કર્યો હતો અને તેણે સોશિયલ મીડિયા પર ઈશાની માફી પણ માગી હતી.