મનોજ વાજપેયી 27 વર્ષ પછી રામ ગોપાલ વર્મા સાથે કામ કરશે
- રામગોપાલ લાંબા બ્રેક પછી પાછો ફરે તેવા સંકેત
- રામ ગોપાલ વર્માની આઈકોનિક ફિલ્મ સત્યાથી જ મનોજની કારકિર્દી ઊંચકાઈ હતી
મુંબઇ : મનોજ વાજપેયી ૨૨ વર્ષ પછી ફરી રામ ગોપાલ વર્મા સાથે કામ કરવાનો છે. ખુદ મનોજ વાજપેયીએ જ આ વાતની પુષ્ટિ કરી છે.
મનોજે એક ઈવેન્ટમાં જણાવ્યું હતુ ંકે રામગોપાલ વર્મા લાંબા બ્રેક પછી એક ફિલ્મ કરી રહ્યા છે અને તેમાં તે ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે, આ ફિલ્મ વિશે તેણે વધારે વિગતો આપી નથી.
રામ ગોપાલ વર્માની જ ફિલ્મ 'સત્યા'થી મનોજ વાજપેયીની કારકિર્દી ઊંચકાઈ હતી. આ ફિલ્મમાં 'ભીખુ મ્હાત્રે'નો તેનો રોલ મનોજની સૌથી યાદગાર ભૂમિકાઓમાં ગણાય છે. તે પછી મનોજે રામ ગોપાલ વર્માની 'શૂલ', 'કૌન' તથા ' રોડ' સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.
દિગ્દર્શક તથા અભિનેતાની આ જોડી લાંબા અરસા બાદ સાથે કામ કરશે તે જાણીને ચાહકો રાજી થયા છે. જોકે, એ પણ હકીકત છે કે રામ ગોપાલ વર્મા બહુ લાંબા સમયથી પોતાનાં ઓરીજિનલ ફોર્મમાં નથી અને તેણે છેલ્લે છેલ્લે પણ સંખ્યાબંધ હિંદી ફિલ્મોમાં નરી વેઠ જ ઉતારીને ચાહકોને ભારે નિરાશ કર્યા હતા.