દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે વિપક્ષના સરકાર પર પ્રહાર, ભાજપે ઘટનાને વખોડી
Dahod News: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં મણિપુર જેવી ઘટના ઘટી. એક મહિલાને 15 જેટલા લોકોએ અર્ધ નગ્ન કરી આખા ગામમાં ફેરવી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, ત્યારે પોલીસે ગુનો નોંધીને 12 જેટલાં શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે. જેમાં મનીષ દોશી, ઇસુદાન ગઢવી, ચૈતર વસાવા સહિત ભાજપના ઋષિકેષ પટેલ અને અન્ય નેતાઓ સમગ્ર ઘટનાને વખોડી કાઢતાં તટસ્થ કાર્યવાહીની માગ કરી.
મુખ્યમંત્રી, ગૃહમંત્રીએ રાજીનામું આપો: ઇસુદાન ગઢવી
દાહોદમાં મહિલાને અર્ધનગ્ન કરીને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. જેને લઈને ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી કહ્યું કે, 'ગુજરાતમાં પણ મણિપુર જેવી ઘટના બની. દાહોદના સંજેલીમાં એક મહિલાને અર્ધનગ્ન કરી તેનું સરઘસ કાઢવામાં આવ્યું. કઈ હદે ગુજરાતની કાનૂન વ્યવસ્થા થઈ ગઈ છે. મણિપુરની જેમ જ ગુજરાતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આપણે શું કરી રહ્યા છીએ. ચૂંટણી લડવી, જીતવી એક અલગ વાત છે. પરંતુ ગુજરાતની જનતાને ન્યાય અને સુસંગત વ્યવસ્થા આપવી એ અલગ વાત છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવુ જોઈએ. આ કાળજું કંપાવનારી ઘટના છે.'
વાહવાહી લૂંટવાની બંધ કરો ને તટસ્થ કાયદાકીય વ્યવસ્થા બનાવો: મનીષ દોશી
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ દાહોદના સંજેલીની ઘટનાને લઈને સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, 'સામાન્ય લોકોના વરઘોડા કાઢી સરકાર વાહવાહી લૂંટે છે. જો કે, તટસ્થ કાર્યવાહી થવી જોઈએ. આ ઘટના વિકાસની બાંગો ફૂકનાર ભાજપની નિષ્ફળતા છતી કરે છે. હું સરકારને અપીલ કરું છું કે વાહવાહી લૂંટવાની જગ્યાએ તટસ્થ કાયદાકીય વ્યવસ્થા બનાવો. જેથી અસામાજિક તત્ત્વોમાં કાયદોનો ડર બેસે.'
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને કડક સજા ફટકારો: ચૈતર વસાવા
ચૈતર વસાવાએ કહ્યું કે, 'દાહોદ જિલ્લામાં આવેલા સંજેલી તાલુકામાં એક મહિલાને 15 જેટલા ઈસમોએ ઘરમાંથી કાઢીને તેને સાંકળ વડે બાંધીને, ગાડી પાછળ બાંધીને આખા ગામમાં અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢ્યું. આ દુઃખદ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. એક ગામમાં વડીલો અને મહિલાઓ પણ હશે તો પણ આટલું નિર્લજ્જ કામ કરનારા વ્યક્તિને કોઈએ રોક્યો કેમ નહીં? ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. સરકાર મહિલા સલામતીની વાતો કરે છે, પરંતુ રોજે રોજ પેપરમાં જોઈએ છીએ કે ગુજરાતમાં માતા, બહેન, દીકરીઓ સલામત નથી. દેશમાં આજની તારીખમાં પણ આવી તાલીબાની સજાઓની આપણી બહેન-દીકરીઓ ભોગ બને છે. ગુજરાત પોલીસ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એ તમામ જવાબદાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે. જેના કારણે એક દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ આ રીતની ઘટનાને અંજામ આપવાનું વિચારે નહીં.'
ઋષિકેષ પટેલે શું કહ્યું?
દાહોદમાં મહિલા પર અમાનુષી અત્યાચારની ઘટના સામે આવતા રાજકીય પક્ષોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. સમગ્ર મામલે ઋષિકેષ પટેલે જણાવ્યું કે, 'આ ઘટના સમાજ માટે શરમજનક છે. આ મામલે રાજ્યના ગૃહ વિભાગે સુઓમોટો કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં 15 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કાનૂન જ સર્વોપરી છે. આમ મહિલા પર અત્યાચાર કરનારા આરોપી માફ નહી કરાય અને તેમના વિરૂદ્ધમાં સખત કાર્યવાહી કરાશે.'
આ પણ વાંચો: દાહોદમાં મણિપુર જેવી ઘટના: બધા જ બન્યા દુશાસન, કોઈએ કૃષ્ણ બની ચીર ન પૂર્યા, 12ની ધરપકડ
ભાજપ મહિલા નેતાએ શું કહ્યું?
ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂતે પણ ઘટનાની નિંદા કરવાની સાથે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 'સંજેલી ઘટનામાં 12 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ઘટનામાં ભારતીય ન્યાય સહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને સખત સજા મળે તેને લઈને આગળ કાર્યવાહી ચાલી રહી છે.'