સતત વિવાદોમાં આલિયા ભટ્ટની ફિલ્મ 'જિગરા': દિવ્યા ખોસલા બાદ હવે આ અભિનેતાએ લગાવ્યા ગંભીર આરોપ
Jigra Controversy: આલિયા ભટ્ટની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જિગરા' વિવાદોમાં ઘેરાયેલી છે. રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. પહેલા અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારે આલિયા ભટ્ટ પર બોક્સ ઓફિસના આંકડા સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે એક એક્ટરે 'જિગરા'ના મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
અભિનેતાએ શું આરોપ લગાવ્યો?
'મેરી કોમ', 'શિવાય', 'રોકેટરી' અને અન્ય ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલા મણિપુરના અભિનેતા બિજોઉ થંગજામે નિર્માતાઓ પર આરોપ મૂક્યો છે કે તેણે 'જિગરા'માં ભૂમિકા માટે તેને કાસ્ટ કર્યો હતો પરંતુ શૂટિંગ શરૂ થયા પછી ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો ન હતો.
અભિનેતાએ કહ્યું, 'હું આ કોઈ એજન્ડા કે આરોપ સાથે નથી લખી રહ્યો. હું માત્ર એ વાસ્તવિકતા શેર કરવા માંગુ છું કે મોટા પ્રોડક્શન હાઉસ દ્વારા પૂર્વોત્તરના મારા જેવા કલાકારો સાથે કેવું વર્તન કરવામાં આવે છે. આશા છે કે, આનાથી અમે શું સામનો કરીએ છીએ તેનો થોડો ખ્યાલ આપશે.
અભિનેતાને ડિસેમ્બર સુધી બુક કરવામાં આવ્યા
બિજોઉ થંગજામે તેની X પોસ્ટમાં લખ્યું કે, 'વર્ષ 2023 માં, એક રોલ માટે ઓડિશન આપવા માટે કાસ્ટિંગ ટીમ દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો. મેં ચાર મહિનામાં બે વાર મારી ટેપ તેમને મોકલી. નવેમ્બરના અંત સુધીમાં, તેઓએ મને કહ્યું કે હું ડિસેમ્બરમાં શૂટિંગ કરીશ. તે સિવાય તેઓએ મને ક્યારેય શૂટિંગની નિશ્ચિત તારીખ આપી નથી. તેમ છતાં, તેઓએ મને ડિસેમ્બરના આખા મહિના માટે બુક કર્યો, એવી અપેક્ષા રાખી કે હું તેમના માટે ગમે ત્યારે શૂટ કરવા તૈયાર હોઈશ. ઈમ્ફાલ, મણિપુરમાં રહેનાર વ્યક્તિ તરીકે, મેં શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે મુસાફરીની વ્યવસ્થા કરવાની જરૂર છે, પરંતુ એવું લાગે છે કે તેનાથી કોઈ ફરક પડ્યો નથી.'
આ પણ વાંચો: ડેટ્સની બબાલમાં જી લે જરા અટકી હોવાની આલિયાની કબૂલાત
અભિનેતાએ ભેદભાવનો પણ આરોપ લગાવ્યો
બિજોઉ થંગજામે આગળ કહ્યું, ‘મને કાસ્ટિંગ ટીમે 26મી ડિસેમ્બરે છેલ્લો મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે રિવર્ટની પ્રતિક્ષા કરો. ત્યારબાદ તેમનો કોઈ જ મેસેજ આવ્યો નહિ.'
અભિનેતાએ વધુમાં કહ્યું, 'હું સમજું છું કે મોટા પ્રોડક્શન હાઉસ કેવી રીતે કામ કરે છે. દિગ્દર્શક નિઃશંકપણે પ્રતિભાશાળી છે, પરંતુ તેણે જે રીતે આ સમગ્ર પરિસ્થિતિને સંભાળી તે અત્યંત અનપ્રોફેશનલ હતી. ઉત્તર-પૂર્વના મારા જેવા કલાકારો માટે, આ ખાસ કરીને ભેદભાવપૂર્ણ લાગ્યું. મારો સમય વેડફાઈ ગયો અને મેં અન્ય તકો ગુમાવી કારણ કે તેઓ મને બોલાવે ત્યારે હું ત્યાં સમયસર પહોંચી શકું.'