વ્યસનીએ ખંડેરમાં ફેંકી બાળકી, દિશા પટણીની બહેને બચાવ્યો જીવ, સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે વખાણ
Image Source: Twitter
Actress Disha Patani's Sister Khushboo Patani Saved Girl Life: બોલિવુડ એક્ટ્રેસ દિશા પટણીની બહેન ખુશ્બુએ માનવતા મહેંકાવી છે. ઘટના એમ છે કે બરેલી જંકશન પર વ્યસનીને બાળકી સોંપીને દૂધ લેવા ગયેલી માતા જ્યારે જલ્દી પરત ન ફરી તો વ્યસની બાળકીને ઉઠાવી ગયો અને પછી તેણે બાળકીને પોલીસ લાઈનના ખંડેરમાં ફેંકી દીધી. ત્યારબાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળીને અભિનેત્રી દિશા પટણીની મેજર બહેન ખુશ્બુ પટણીએ આ બાળકીનો જીવ બચાવ્યો. ખુશ્બુ અને તેની માતાએ બાળકીની સંભાળ રાખી. પોલીસે સાંજ સુધીમાં બાળકીની માતાને શોધી કાઢી. આ દરમિયાન GRPની ભૂમિકા નિરાશાજનક રહી. બીજી તરફ માનવતા મહેંકાવવા બદલ હવે સોશિયલ મીડિયા પર ખુશ્બુ પટણીના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
વ્યસનીએ ખંડેરમાં ફેંકી બાળકી
બિહારના મધુબની જિલ્લાની રહેવાસી ગુફરાન નામની મહિલાના લગ્ન બદાયૂં જિલ્લાના બિનાવરમાં અહિરવાડામાં થયા હતા. ગુફરાન રવિવારે સવારે તેની આઠ મહિનાની પુત્રી ઈનાયત સાથે ટ્રેન દ્વારા બરેલી આવી હતી. સવારે લગભગ 7:00 વાગ્યે ગુફરાન જંક્શન પર ઉતરી. અહીંથી તેને બિહારમાં તેની માતાના ઘરે જવા માટે બીજી ટ્રેન પકડવાની હતી. આ દરમિયાન છોકરીને ભૂખ લાગી તેથી ગુફરાને તેને જંકશન પર બેઠેલા એક નશામાં ધૂત યુવાનને સોંપી દીધી અને થોડી વાર પછી પાછી આવીશ એમ કહીને જતી રહી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વ્યસની લગભગ અડધો કલાક બાળકીને લઈને બેસી રહ્યો. ત્યારબાદ જ્યારે બાળકીની માતા વહેલી ન આવી તો તે બાળકીને લઈને રેલવે લાઈન કિનારે જતો રહ્યો અને પછી તેણે ચૌપુલા નજીક જૂની પોલીસ લાઈનના ખંડેર ક્વાર્ટરમાં બાળકીને ફેંકી દીધી.
દિશા પટણીની બહેને બચાવ્યો જીવ
બરેલી પોલીસના નિવૃત્ત CO જગદીશ પટણી (અભિનેત્રી દિશા પટણીના પિતા)નું નિવાસસ્થાન જૂની પોલીસ લાઈનની દિવાલને અડીને આવેલું છે. રવિવારે સવારે તેમની પત્ની પદ્મા પટણી ઘરની સફાઈ કરી રહી હતી. જ્યારે તેણે બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે તેની પુત્રી ખુશ્બુ પટણીને તેની જાણ કરી. ખુશ્બુ જે આર્મીમાં મેજરના પદ પરથી VRS લઈને લગભગ એક વર્ષથી પોતાના માતા-પિતા સાથે રહેતી હતી, તે તરત જ દિવાલ કૂદી ગઈ અને બીજી બાજુ ગઈ અને ખંડેરમાં બાળકીને રડતી જોઈ. પછી તેણે ફોન કરીને પોતાની માતાને બોલાવી.
દિવસભર બાળકીની સંભાળ રાખી
બાળકી ઈનાયત જ્યારે ક્વાર્ટરમાં મળી આવી ત્યારે તે કાદવથી લથપથ હતી. ખુશ્બુ તેને ઉપાડીને ઘરે લઈ આવી. અહીં ખુશ્બુ અને તેની માતાએ બાળકીને નવડાવી અને તેને દૂધ પીવડાવ્યું. જ્યારે બાળકીને થોડો આરામ મળ્યો ત્યારે ખુશ્બુએ ફાર્મ હાઉસથી પોતાના પિતા જગદીશ પટણીને ફોન કર્યો. તેમણે સીઓ પંકજ શ્રીવાસ્તવને જાણ કરી અને પછી બાળકીને ચાઇલ્ડ લાઈનની દેખરેખ હેઠળ જિલ્લા હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી. ત્યારબાદ કોતવાલી પોલીસે માઈકથી બાળકી અંગે માહિતી પ્રસારિત કરવાનું શરૂ કર્યું. આ પહેલા ખુશ્બુ બજારમાં ગઈ અને બાળકી માટે કપડાં ખરીદી લાવી અને તેને પહેરાવ્યા.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ? પહેલેથી જ લાગી રહ્યા છે આરોપ: બંગાળ હિંસા પર SCની ટિપ્પણી
GRPની ભૂમિકા નિરાશાજનક
બાળકીને હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ કોતવાલી પોલીસે નજીકના સીસીટીવી કેમેરાની તલાશ શરૂ કરી. આ દરમિયાન ખુશ્બુ પણ સાથે જ રહી હતી. બીજી તરફ છોકરીની માતા ગુફરાન જંકશન પર ભટકતી રહી પરંતુ GRP કે RPF બંનેએ તેની કોઈ નોંધ ન લીધી. થાકી હારીને જ્યારે મહિલા કોતવાલી આવી ત્યારે તેને બાળકી બતાવીને ઓળખ કરાવી. ગુફરાન પોતાની બાળકીને જોઈને ખુશીથી નાચી ઉઠી. બાળકી પણ માતાને જોઈને ઝૂમી ઉઠી. ત્યારબાદ ચાઇલ્ડ લાઈન તરફથી બાળકીને તેની માતાને યોગ્ય રીતે સોંપવા માટે પ્રયાસો શરૂ કરાયા.
બાળકીની હાલત સારી
આ મામલે બાળરોગ નિષ્ણાત ડૉ. સંદીપ ગુપ્તાએ જણાવ્યું કે, 'બાળકીને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેનું ચેકઅપ થયું. તેની હાલત સારી છે. તેના શરીર પર કંઈ ખાસ ઈજા કે ઘા નથી. ચાઈલ્ડ લાઇન ટીમ બપોરે લગભગ ત્રણ વાગ્યે તેને લઈ ગઈ હતી.'