ડ્રગ કેસમાં ક્લિનચીટ બાદ 25 વર્ષે મમતા કુલકર્ણી મુંબઈ પાછી આવી
- એરપોર્ટ પર બહાર આવી ભાવુક થઈ ગઈ
- 2000 કરોડના ડ્રગ કેસમાં પાર્ટનર વિકી ગોસ્વામી સાથે સંડોવણીના આરોપ હતા
મુંબઇ : ૨૦૦૦ કરોડના ડ્રગ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા ક્લિનચીટ મળ્યા બાદ મમતા કુલકર્ણી પાછી ભારત આવી છે. મમતાના દાવા અનુસાર તે ૨૦૦૦માં ભારત છોડીને ગઈ હતી.
મમતાએ એક સેલ્ફી વીડિયો શેર કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે તે ફલાઈટમાં આવતી વખતે વિન્ડોમાંથી આમતેમ જોઈને ગદગદ થઈ ગઈ હતી.
એરપોર્ટ બહાર પગ મૂકતાં જ તે ભારે ભાવુક બની ગઈ હતી. આખરે તે ફરી આમચી મુંબઈમાં પહોંચી આવી છે. મમતા અને તેના પાર્ટનર સામે ૨૦૦૦ કરોડના ડ્રગ કૌભાંડમાં સંડોવણીના આરોપો હતા. મમતાએ મેથામેન્ટામાઈનના ઉત્પાદન માટે એફેડ્રીનનાા સપ્લાયમાં ભૂમિકા ભજવી હોવાના આરોપો હતા. તે વિકી ગોસ્વામી સાથે કેન્યામાં ડ્રગ ડીલર્સની મીટિંગમાં પણ હાજર હોવાના આરોપો મૂકાયા હતા. જોકે, હાઈકોર્ટે તેની સામેના આરોપો સાબિત ન થતા હોવાનું જણાવી એફઆઈઆર રદ કરી દીધી હતી.
મમતા કુલકર્ણી ૯૦ના દાયકાની શરુઆતમાં બોલીવૂડની તે સમયની સૌથી બોલ્ડ અભિનેત્રીમાંની એક ગણાતી હતી. તેણે મેગેઝિન માટે ટોપલેસ ફોટો શૂટ કરાવી ખળભળાટ મચાવી દીધો હતો. 'કરણ અર્જુન' સહિતની ગણીગાંઠી ફિલ્મોમાં તેણે ભૂમિકા ભજવી હતી. યોગાનુયોગે મમતા બરાબર એ જ સમયે પાછી આવી છે જ્યારે 'કરણ અર્જુન' ફરી રીલિઝ થઈ છે.