'મોટા કલાકારો રાત્રે મળવા બોલાવતા...' બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવેલી અભિનેત્રીનો ધડાકો
Mallika Sherawat: મલ્લિકા શેરાવત એવી અભિનેત્રી છે કે જે બોલિવૂડમાં ફિલ્મી કારકિર્દી શરુ કરતાની સાથે જ ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ હતી. તેણે પોતાના બોલ્ડ સીન અને અભિનયથી લોકોને દીવાના બનાવ્યા હતા.
બોલ્ડ ઈમેજને કારણે પડકારોનો સામનો કરવો પડ્યો
લાંબા સમય પછી મલ્લિકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરી રહી છે. તે છેલ્લે ગયા વર્ષે હિન્દીમાં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ પંબટ્ટમમાં જોવા મળી હતી. હવે તાજેતરમાં અભિનેત્રીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેણે બોલિવૂડમાં તેની બોલ્ડ ઈમેજને કારણે જે પડકારોનો સામનો કરવો પડ્યો તેની વાત કરી હતી. મલ્લિકાએ કહ્યું કે, 'હું સ્ક્રીન પર આવી ભૂમિકાઓ ભજવતી હોવાથી ઘણા ટોચના કલાકારોને લાગ્યું કે હું સ્ક્રીનની બહાર પણ તેમની સાથે કોમ્પ્રોમાઈઝ કરીશ. અભિનેત્રીએ જણાવ્યું કે મને રાત્રે આવા ઘણાં ફોન આવતા હતા, પરંતુ મેં તે બધાને ફગાવી દીધા હતા.'
આ કારણે જ ઈન્ડસ્ટ્રીમાંથી દૂર થઈ હતી અભિનેત્રી
મલ્લિકાએ કહ્યું કે, 'આ રિજેક્શનના કારણે જ હું ઈન્ડસ્ટ્રીમાંથી દૂર થઈ ગઈ હતી.' મલ્લિકાએ કહ્યું, 'કેટલાક હીરો મને ફોન કરીને રાત્રે મળવા માટે કહેતા હતા. હું ફોન પર પૂછતી હતી કે હું તમને રાત્રે મળવા કેમ આવું. આના પર તેઓ કહેતા હતા કે તમે સ્ક્રીન પર આવા બોલ્ડ રોલ કરો છો. તો મને રાત્રે મળવામાં શું વાંધો છે.'
આ બાબતે મલ્લિકાએ કહ્યું કે, 'જ્યારે હું આવી ફિલ્મો કરતી હતી ત્યારે આ લોકો મને ઓપન વ્યક્તિ માનતા હતા. તેમને લાગ્યું કે જ્યારે હું સ્ક્રીન પર આટલી બોલ્ડ હોઈ શકું છું ત્યારે તે અમારી સાથે પણ બોલ્ડ થઈ શકે છે. તે અમારી સાથે કોમ્પ્રોમાઈઝ કરી શકે છે. પરંતુ એવું નથી.'
અન્ય એક ઘટનાનો વીડિયો પણ વાયરલ
એક અન્ય ઘટના વિષે જણાવતા પણ અભિનેત્રીએ જણાવ્યું હતું. જેનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં તે એ સમયને યાદ કરતા કહે છે કે મેં એક મોટી સ્ટાર કાસ્ટ સાથે દુબઈમાં એક મોટી ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું.
વીડિયોમાં મલ્લિકાએ કહ્યું, 'હું દુબઈમાં એક મોટી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, તે એક મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી અને સુપરહિટ ફિલ્મ છે, લોકોને તે ખૂબ જ પસંદ આવી છે, મેં તેમાં કોમેડી રોલ કર્યો હતો. એ ફિલ્મનો હીરો રાત્રે 12 વાગે મારા રૂમનો દરવાજો ખખડાવતો હતો. એ જે રીતે દર્વાતો ખટખટાવતો હતો તે જોઇને મને લાગ્યું કે તે દરવાજો તોડી નાખશે. કારણ કે તે મારા બેડરૂમમાં આવવા માંગતો હતો અને મેં વિચાર્યું, ના, એવું થવાનું નથી. આ ઘટના પછી એ હીરોએ મારી સાથે ક્યારેય કામ કર્યું નથી.'
સોશિયલ મીડિયા પર લોકોએ લગાવ્યું અનુમાન
જો કે આ ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કોઈનું નામ લેવાનું ટાળ્યું હતું. આ ક્લિપ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો અનુમાન લગાવવા લાગ્યા કે તે કોની વાત કરી રહી છે.