કાજોલ-શાહરુખનું એક ગીત શૂટ કરવા 3 કરોડ ખર્ચ્યા હતા મેકર્સે, વિમાનમાંથી બસ બનાવી હતી
Image: Facebook
Kajol-Shah Rukh Khan Song: બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહર પોતાની ફિલ્મોને એક આલિશાન ટચ આપવાથી ક્યારેય ચૂકતો નથી. તેની ફિલ્મોમાં મોટા-મોટા સેટ અને શાનદાર લોકેશનને દર્શાવવામાં આવે છે. વર્ષ 2001માં આવેલી તેની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' માં આવા જ આલિશાન સેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં એક સીન હતો જેમાં શાહરુખ ખાન અને કાજોલનું પાત્ર એક મેળામાં હોય છે પછી બાદમાં એક ગીત શરૂ થઈ જાય છે. ગીત 'સૂરજ હુઆ મધ્ધમ' છે જે ઈજિપ્તમાં શૂટ કરવામાં આવ્યું હતું.
યશ જોહર ખૂબ પેશનેટ ફિલ્મમેકર હતાં
ફિલ્મમાં ડાયરેક્ટર નિખિલ અડવાણીએ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. તેણે આ ફિલ્મની મેકિંગ પર વાત કરી. તેણે જણાવ્યું કે કેવી રીતે આ ગીત માટે ફિલ્મના પ્રોડ્યૂસર અને કરણ જોહરના પિતા યશ જોહરે મહેનત કરી હતી. તેમણે પોતાના પુત્રની ફિલ્મ માટે ખૂબ રૂપિયા ખર્ચ કર્યા હતા.
નિખિલે યશ જોહર વિશે વાત કરતાં કહ્યું, 'તમે વિચારો યશ જોહરનો વિચાર શું હતો. તેમનો વિચાર એ હતો કે જ્યારે એક ફિલ્મ પૂરી થઈ જાય અને સ્ક્રીન પર કંઈ ન હોય ત્યારે ત્રણ કલાક બાદ પણ લોકો તેમના પુત્રના નામે તાળી વગાડે. તેમના માટે એક ગીત પર 3 કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચ કરવી સામાન્ય હતી. અમે લોકો જ્યારે કભી ખુશી કભી ગમ બનાવી રહ્યાં હતાં તો અમે 52 લોકો એકસાથે માત્ર એક ગીત શૂટ કરવા માટે ઈજિપ્ત ગયા હતા.'
આ પણ વાંચો: 2024માં સૌથી વધુ કમાણી પુષ્પા ટૂ નહિ, મલયાલમ પ્રેમાલુની
પ્લેનનો બસની જેમ ઉપયોગ કર્યો
નિખિલે આગળ ખુલાસો કર્યો કે 'હું અને સમગ્ર ટીમ 'સૂરજ હુઆ મધ્ધમ' ગીત માટે સમગ્ર ઈજિપ્તમાં પ્લેનથી ફરી રહ્યા હતા. અમે પ્લેનનો એક બસની જેમ ઉપયોગ કર્યો હતો જે ફિલ્મમેકર યશ જોહરે અમારી માટે મંગાવ્યુ હતું. એવું નથી કે ઈજિપ્ત એક નાનો દેશ છે. એક લોકેશન વેસ્ટમાં હતું, તો બીજું ઈસ્ટમાં હતું પરંતુ અમારી પાસે એક બોઈંગ 737 પ્લેન હતું. જે એક પાક્કા રસ્તા પર અમારી રાહ જોઈ રહ્યું હતું, અમે 52 લોકો તેમાં બેસી જતાં હતાં અને પાછા આવતાં હતાં. અમે લોકો તેનો એક બસની જેમ ઉપયોગ કરી રહ્યાં હતાં. આવા હતા યશ જોહર.'
ઘણા સમય પહેલા ફિલ્મમેકર કરણ જોહરે પણ પોતાના પિતા વિશે વાત કરતાં એક મજેદાર કિસ્સો સંભળાવ્યો હતો. તેણે પોતાના ટોક શો 'કોફી વિથ કરણ' માં રાની મુખર્જી અને કાજોલને જણાવ્યું કે 'હું પોતાની પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હે નું શૂટિંગ મહેબૂબ સ્ટુડિયોમાં કરી રહ્યો હતો. મારા પિતાને સ્ટુડિયોની બહાર એક્ટર સંજય દત્ત મળ્યો હતો અને તેની સાથે વાત કરી રહ્યાં હતાં. સંજયે તેમને પૂછ્યું કે યશજી તમે અહીં શું કરી રહ્યાં છો? તો તેમણે કહ્યું કે 'મારા પુત્રએ સેટ લગાવ્યો છે અને હું હવે રોડ પર આવી ગયો છું.'