સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ હવે એક્ટિંગ કરશે
-મિર્ઝા ફિલ્મમાં પત્ની સોની રાઝદાન સાથે દેખાશે
-અગાઉ ઘણા નવા કલાકારોને ચમકાવી ચૂક્યા છે
મુંબઇ તા.૨૯
સંખ્યાબંધ નવા કલાકારોને તક આપીને પોતાની ફિલ્મમાં ચમકાવનારા ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ હવે પોતાની અભિનેત્રી પત્ની સોની રાઝદાન સાથે મિર્ઝા ફિલ્મમાં અભિનય કરશે એવી જાણકારી મળી હતી.
મહેશ ભટ્ટે છેલ્લે ૧૯૯૯માં કારતૂસ ફિલ્મનું ડાયરેક્શન કર્યંુ હતું. ત્યારબાદ એ ફક્ત નવા કલાકારોને ચમકાવતા રહ્યા હતા. એવા કલાકારોમાં ઇમરાન હાશમી, બિપાસા બસુ, કંગના રનૌત, રાજકુમાર રાવ વગેરેનો સમાવેશ થયો હતો. હાલ મહેશ ભટ્ટ ટીવી સિરિયલ નામકરણનું નિર્દેશન કરી રહ્યા છે.
૨૦૦૯માં અર્શદ વારસી અને રાજપાલ યાદવ સાથે એક સે બૂરે દો ફિલ્મ કરનારા તારીક ખાનની આ ફિલ્મ છે. એક સે બૂરે દો ફિલ્મ બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં તારીક ખાન ફરી સંઘર્ષ કરતા ઇથ ગયા હતા. દરમિયાન એમના હાથમાં એક સરસ સ્ક્રીપ્ટ આવી ગઇ જે એમણે મહેશ ભટ્ટને દેખાડી અને આ ફિલ્મમાં મહેશ ભટ્ટને અભિનય કરવાની વિનંતી કરી. સ્ક્રીપ્ટ સરસ હોવાથી મહેશ ભટ્ટે હા પાડી અને એ રીતે આ પ્રોજેક્ટ નક્કી થયો. મહેશ ભટ્ટ પોતાની અભિનેત્રી પત્ની સોની રાઝદાન (આલિયા ભટ્ટની માતા) સાથે અભિનય કરશે. સોની રાઝદાન છેલ્લે ૨૦૧૩માં શૂટ આઉટ એટ વડાલામાં દેખાઇ હતી. હાલ એ મેઘના ગુલઝારની રાઝી ફિલ્મ કરે છે જેમાં એની પુત્રી આલિયા ભટ્ટ મુખ્ય રોલ કરી રહી છે.