Maharaj Film Review: સવાલ ન પૂછી શકે એ ભક્ત અધૂરો અને જવાબ ન આપી શકે એ ધર્મ! 'મહારાજ' ફિલ્મ કેવી છે?
'મહારાજ' ફિલ્મ એક લાંબા વિવાદ અને કાનૂની લડત બાદ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લઈને કેટલાક લોકોનો દાવો હતો કે આ ફિલ્મના કારણે હિન્દુ ધર્મની છબી ખરડાઇ રહી છે. આ ફિલ્મ રિલીઝ થાય તો લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ શકે છે અને એ હિંસામાં પણ પરિણમી શકે છે. આ પ્રકારની અરજી થયા બાદ કોર્ટે આ ફિલ્મ પર સ્ટે લગાવી દીધો હતો પરંતુ હવે તેની રિલીઝને લીલી ઝંડી આપી દીધી છે.
1862નાં મહારાજ લાયબલ કેસ પર (બદનક્ષીનો કેસ) આધારિત આ ફિલ્મનો નાયક છે કરસનદાસ મૂળજી. જે એક સુધારાવાદી પત્રકાર છે. જે ગુજરાતી ભાષામાં 'સત્યપ્રકાશ' નામનું સાપ્તાહિક ચલાવતા હતા. ફિલ્મમાં તેનું પાત્ર આમિર ખાનના દીકરા જુનેદ ખાને ભજવ્યું છે. પોતાની ડેબ્યૂ ફિલ્મમાં જુનેદ તેનાં પાત્રને ન્યાય આપવા માટે પ્રામાણિક પ્રયત્ન કરતો દેખાય છે પરંતુ તેમ છતાં આ પ્રયત્ન જોઈએ એટલો સફળ નથી થયો. જુનેદનો અભિનય કૃત્રિમ લાગે છે. પોતાની પહેલી ફિલ્મમાં ડાયલોગ ડિલિવરી સારી છે પરંતુ આટલા મજબૂત ડાયલોગ તેનાં ભાગે આવ્યા હોવા છતાં અભિનયના મામલે અનુભવની કમી વર્તાઇ આવે છે.
ફિલ્મનું ગુજરાત સાથે ખાસ કનેક્શન
ગુજરાતી લેખક સૌરભ શાહની 'મહારાજ' નવલકથા પરથી બનેલી ફિલ્મ સારી છે. એમાં ગુજરાતી કલ્ચર પણ ઘણી સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. બીજી ભાષાના દર્શકોને શક્યત: તકલીફ પડી શકે કારણ કે ફિલ્મમાં ઘણાં બધા સંવાદો ગુજરાતીમાં છે. ફિલ્મની કાસ્ટમાં પણ ઘણાં ગુજરાતીઓ છે અને તેઓનું કામ પણ સરસ છે. વિપુલ મહેતા (‘ચલ જીવી લઈએ’ના ડિરેક્ટર) આ ફિલ્મનાં લેખક છે. સ્નેહા દેસાઇ (લાપતા લેડિઝનાં લેખિકા) લેખિકા અને અભિનેત્રી બંને ભૂમિકામાં છે. તેઓ ભાભોનું પાત્ર ભજવે છે જે કરસનને સાચું બોલવાની અને સવાલ પૂછવાની હિંમત આપે છે. આ સિવાય ઉત્કર્ષ મઝુમદાર અને ધર્મેન્દ્ર ગોહિલ જેવા અભિનેતાઓનો પણ છાપ છોડી જાય એવો સરસ છે.
વાંધાજનક કશું છે કે નહીં?
જેમ ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું તેમ, ફિલ્મ જોયા બાદ એમાં કશું વાંધાજનક કે લાગણી દુભવવાના આશયથી બતાવવામાં આવ્યું હોય એવું નથી લાગતું. સુધારાવાદી લેખક કરસનદાસ વિરુદ્ધ જદુનાથજી દ્વારા કરવામાં આવેલા બદનક્ષીના કેસ પરથી બનેલી ફિલ્મ, વાસ્તવિક ઘટનાઓને જ ખૂબ ઓછી છૂટછાટ લઈને દર્શાવી રહી છે. ફિલ્મ બનાવવા પાછળ કોઈ મલીન ઇરાદો હોય એવું લાગતું નથી.
સવાલ ન પૂછી શકે એ ભક્ત અધૂરો અને જવાબ ન આપી શકે એ ધર્મ!
અંધભક્તિ સમાજ અને રાષ્ટ્ર માટે કેટલી નુકસાનકારક છે એ આ ફિલ્મમાં સરસ રીતે બતાવ્યું છે. ફિલ્મમાં દર્શાવ્યા પ્રમાણે ધાર્મિક હોદ્દાને કારણે એક વ્યક્તિ પોતાને ભગવાન સમજવા માંડે છે. એ કહે છે કે 'ધર્મની તાકાતનો તમને અંદાજ નથી.' હું બધાનો નાથ છું અને તમે બધા મારા સેવક. યદુનાથની ભૂમિકામાં જગદીપ અહલાવત જીવ રેડી દે છે. તેના ખંધા હાસ્યમાં અભિમાન અને દંભ દેખાઈ આવે છે. તેને ધર્મની આડમાં 'ચરણપૂજા' નામની એક પરંપરા દ્વારા મહિલાઓનું શોષણ કરતાં દર્શાવવામાં આવ્યા છે.
કેટલાક વડીલો જાણકારો એના બધા કાંડથી પરિચિત હોય છે. પણ એ લોકો બોલી નથી શકતા. એ લોકો ક્યારેય બોલી ન શકે એનું પૂરતું ધ્યાન રખાય છે. એક સમજદાર વડીલ કહે છે, 'મહારાજ હવેલીનો ચહેરો બની ગયા છે. લાખો લોકો એમના કારણે સંપ્રદાય સાથે જોડાઈ ચૂક્યા છે. અને હવે એમની તાકાત એટલી વધારે છે કે એની સામે સમજદારીને ચૂપ રહેવું પડે છે'. એક સરસ સંવાદમાં તેઓ કહે છે કે ‘સવાલ ન પૂછી શકે એ ભક્ત અધૂરો અને જવાબ ન આપી શકે એ ધર્મ!’
ભક્તો ઓળઘોળ હોય છે. એમણે માની લીધેલા ભગવાનની સેવામાં. કંઈ પણ થઇ જાય, બધું લૂંટાવી દઈશું, પણ ભક્તિમાં આંચ ન આવવી જોઈએ. એમનાં મહારાજ પર લાગેલા આરોપ ભક્તો સહન નથી કરી શકતા. પણ ફિલ્મનો નાયક સવાલ પૂછતા અચકાતો નથી. કર્મથી ક્ષત્રિય બને છે. સત્યને સામે લાવવા માટે આખી દુનિયા સામે ઊભી હોય એવા સમયે પણ સતત લડતો રહે છે. વિવાદ ભલે ગમે એટલો થયો હોય પણ આ ફિલ્મનો મેસેજ કોઈપણ સમયમાં પ્રસ્તુત છે. ધર્મની આડમાં જ્યાં આ પ્રકારના કારસ્તાન થતાં હોય ત્યાં અમાપ શક્તિ ધરાવતા લોકોનો દબદબો હોય છે. જેની સામે પડીને સવાલ પૂછવા કોઈ તૈયાર નથી હોતું. આ ફિલ્મનો નાયક સમાજના શિક્ષિત લોકોને સવાલ પૂછવાની અને બદીઓ સામે લડવાની પ્રેરણા આપે છે.
સવાલ પૂછશે એને ભોગવવું તો પડશે
કરસનદાસ જેવા સુધારાવાદી માણસો દરેક સમયમાં હોય છે. સમાજને આવા લોકો ખૂંચે છે કારણ કે એ સવાલ પૂછે છે અને એમના સવાલો ઘણા આકરા હોય છે. એ એમના વિચારોનાં કારણે એક પ્રકારના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. આવા લોકો ખોટું થતું જોઈ પણ નથી શકતા અને સહન પણ નથી કરી લેતા. પોતાના ઘર, પરિવાર અને સમાજની વિરુદ્ધ જઈને પણ આવા લોકો સમાજની બદીઓ સામે લડત આપે છે. કોઈ હિંમત ન કરી શકે એવી જગ્યાએ પણ આ લોકો સવાલ પૂછે છે. ફિલ્મમાં શરૂઆતમાં જ દર્શાવવામાં આવ્યું છે કે બાળક કરસનદાસ એના પરિવારને ખૂંચે એવા કેટલાક સવાલો પૂછે છે. તે પૂછે છે કે મહિલાઓ ઘુમટો કેમ તાણે છે? જવાબ મળે છે કે, 'કોઇની નજર ન લાગે એટલા માટે'. કરસન સામો સવાલ પૂછે છે કે 'એવો ઘુમટો શું કામનો જેના કારણે એમની જ નજર ન રહે!' ભણી ગણીને મોટો થયા પછી કરસન નાતજાતના ભેદભાવને પણ ગણકારતો નથી.
ફિલ્મ જોવી જોઈએ કે નહીં?
ગુજરાતી દર્શક આ ફિલ્મ સાથે કનેક્ટ જરૂર થઈ શકે. પણ દેશના બીજા વિસ્તારોમાં રહેતા લોકો આ ફિલ્મ સાથે કનેક્ટ થઈ શકશે કે કેમ એ સવાલ ઊભો રહેશે. જયદીપ સિવાય ફિલ્મમાં અભિનેત્રી શાલિની પાંડેનો અભિનય સારો છે. ફિલ્મના ડાયલોગ સારા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સરસ છે અને સેટ્સ પણ સારા દર્શાવાયા છે. પણ તેમ છતાં ફિલ્મ જોતી વખતે ઊભા જ ન થવા દે કે સતત જકડી રાખે એવું તત્ત્વ નથી. કોઈ એકસ્ટ્રા એલિમેન્ટ કે એક્સ ફેક્ટર જેવુ પણ નથી. ફિલ્મને લઈને ઊભા થયેલા વિવાદ બાદ ઘણાં લોકો ફિલ્મ જોશે એ ચોક્કસ છે. ઉપરાંત ફિલ્મની લંબાઈ માપસરની હોવાથી વિકેન્ડમાં જોઈ લેવામાં સમયનો બગાડ થયા જેવું તો નહીં જ લાગે.