માધુરી દીક્ષિત અપશુકનિયાળ મનાતી, ફિલ્મ ઓફર કરીએ તો લોકો ટોણાં મારતાઃ દિગ્ગજ ડિરેક્ટરનો દાવો
Madhuri Dixit Was Called Jinxed Girl: માધુરી દીક્ષિતે અઢળક હિટ ફિલ્મો આપી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેના પર 'મનહૂસ'નો ઠપ્પો લાગી ગયો હતો. માધુરી સાથે 'દિલ', 'બેટા' જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ડિરેક્ટર ઈન્દ્રેશ કુમારે સિદ્ધાર્થ કાનન સાથે વાત કરતી વખતે જણાવ્યું કે, ‘તે સમય ઘણો મુશ્કેલ હતો. માધુરી એક અપશુકનિયાળ છોકરી તરીકે ઓળખાતી હતી, પરંતુ મને તેના પર વિશ્વાસ હતો.’
ફિલ્મ ઓફર કરીએ તો લોકો ટોણાં મારે
ઇન્દ્રએ જણાવ્યું કે, તે સમયે આમિર ખાનના ખાતામાં એક હિટ ફિલ્મ હતી, કયામત સે કયામત તક અને ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી માધુરીએ એક પણ હિટ ફિલ્મ નહોતી આપી. તે મનહૂસ તરીકે ઓળખાતી હતી. મેં તેને દિલ ફિલ્મ માટે સાઇન કરી ત્યાં સુધી તો ઠીક હતું. પરંતુ જ્યારે મેં તેને બેટા ફિલ્મ માટે સાઇન કરી ત્યારે બધાએ મને કહ્યું કે તું પાગલ થઈ ગયો છે કે શું. તેની કોઈ ફિલ્મ નથી ચાલી રહી. ત્યારબાદ એક ઇન્ટરવ્યુ પણ આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે માધુરી એક મનહૂસ છોકરી છે. તે જે પણ ફિલ્મ કરે છે તે ફ્લોપ જાય છે.
મને તેના પર પૂરો વિશ્વાસ હતો
તેમ છતાં મેં માધુરી સાથે દિલ અને બેટા ફિલ્મ બનાવી. મને તેના પર પૂરો વિશ્વાસ હતો. મારું દિલ કહેતું હતું કે, આ એક્ટ્રેસમાં કંઈક તો છે. ઇન્દ્રએ વધુમાં જણાવ્યું કે જ્યારે મારી ફિલ્મ શરુ થઈ ત્યાં સુધીમાં તેનું નસીબ બદલાઈ ગયું હતું, માધુરીની તેઝાબ અને રામ લખન સુપરહિટ ગઈ હતી. અમે શૂટિંગ શરુ કર્યું ત્યાં સુધીમાં તેના પરથી મનહૂસનો ઠપ્પો હટી ગયો હતો અને ડિસ્ટ્રીબ્યૂટર્સની ઇમ્પ્રેશન પણ બદલાઈ ગઈ હતી. તે સેટ પર સુપરસ્ટાર બનીને આવી હતી.