ટોક્સિક સાથે ટક્કર ટાળવા લવ એન્ડ વોર પાછી ઠેલાશે
- સંજય લીલા ભણશાળીને શૂટિંગમાં મોડું થયું
- રણબીર અને યશ રામાયણમાં સહ કલાકારો હોવાથી આપસી સંતલસથી ટક્કર ટાળી
મુંબઇ : રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલની 'લવ એન્ડ વોર' આગામી માર્ચ ૨૦૨૬માં રીલિઝ થવાની શક્યતા ધૂંધળી બની છે. આ ફિલ્મનાં શૂટિંગમાં ધાર્યા કરતાં વધારે સમય લાગી રહ્યો છે અને બાદમાં પોસ્ટ પ્રોડક્શનમાં પણ વધારે સમય જાય તેમ છે.
જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર યશની 'ટોક્સિક' અને રણબીરની 'લવ એન્ડ વોર'ની ટક્કર ટાળી બંને ફિલ્મોને નુકસાન અટકાવવા આ નિર્ણય લેવાયો હોય તેવી શક્યતા છે. રણબીર અને યશ 'રામાયણ'માં સાથે કામ કરી રહ્યા છે. આથી બંને વચ્ચે સંતલસ બાદ બોક્સ ઓફિસ પર ટક્કર ટાળવાનું નક્કી થયું હોય તે બનવાજોગ છે.
કદાચ 'લવ એન્ડ વોર' લંબાઈ રહી હોવાનું કન્ફર્મ થયા બાદ પણ યશે તેની 'ટોક્સિક'ની રીલિઝ ડેટમાં ફેરફાર કર્યો હોય તે પણ શક્ય છે.
'લવ એન્ડ વોર'માં એક મેગા વોર સીકવન્સનું શૂટિંગ નવેમ્બર મહિનામાં કરવામા આવશે અને જાન્યુઆરીમાં પુરુ કરવામાં આવશે. તે પછી પોસ્ટ પ્રોડક્શનમાં કેટલાક મહિનાઓ જાય તેવી સંભાવના છે. આથી ફિલ્મ મે અથવા તો જૂન ૨૦૨૬ સુધી પણ ઠેલાઈ શકે છે.