લારા દત્તાને કૈકેયી , બોબી દેઓલને કુંભકર્ણના રોલની ઓફર
- રણબીરની રામાયણના કાસ્ટિંગ વિશે અટકળો
- અગાઉ સની દેઓલને હનુમાનજીના રોલની ઓફર થઈ ચૂકી છે
મુંબઇ : રણબીર કપૂરને ભગવાન શ્રીરામ તથા સાઈ પલ્લવીને સીતા માતાના રોલમાં દર્શાવતી ફિલ્મ 'રામાયણ'માં લારા દત્તાને કૈકેયી તથા બોબી દેઓલને કુંભકર્ણનો રોલ ઓફર કરાયો હોવાની ચર્ચા થઈ રહી છે.
આ ફિલ્મ કુલ ત્રણ ભાગમા બનવાની છે. તેમાંથી પહેલા ભાગમાં કૈકેયીનો રોલ હશે. ફિલ્મ સર્જક નિતેશ તિવારીના મતે લારા દત્તા કૈકેયીની ભૂમિકા માટે યોગ્ય પસંદગી હોઈ શકે છે.
એ જ રીતે ફિલ્મમાં કુંભકર્ણના રોલ માટે બોબી દેઓલનો સંપર્ક સાધવામાં આવ્યો છે. બોબીએ હજી સુધી આ ઓફરનો પ્રત્યુત્તર આપ્યો નથી. ' એનિમલ'ની સફળતા પછી બોબી દેઓલની ડિમાન્ડ વધી ગઇ છે. તેથી હવે તે હવે ઉતાવળમાં ફિલ્મો સાઇન કરવા માંગતો નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ સની દેઓલને આ ફિલ્મ માટે હનુમાનજીના રોલની ઓફર થઈ ચુકી છે. રણબીર કપૂર ખુદ ઈચ્છે છે કે હનુમાનજીનો રોલ સની દેઓલ કરે. જોકે, સનીએ પણ હજુ સુધી આ ફિલ્મ સાઈન કરી નથી.
રાવણના રોલ માટે સાઉથના સ્ટાર યશને પસંદ કરી લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
મેગા બજેટ ધરાવતી આ ફિલ્મનું શૂટિંગ આગામી મેમાં શરુ થવાની ધારણા છે.