એક્ટ્રેસ લૈલા ખાન અને તેના પરિવારની હત્યા કરનાર સાવકા પિતાને ફટકારાઇ ફાંસીની સજા
Laila Khan Murder Case: અભિનેત્રી લૈલા ખાન અને તેના પરિવારની હત્યા માટે દોષિત ઠરેલા સાવકા પિતા પરવેઝ ટાકને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
2011માં લૈલા ખાન, તેની માતા અને ચાર ભાઈ-બહેનોની હત્યા કરવામાં આવી હતી. લૈલાની હત્યાનો કેસ મુંબઈની કોર્ટમાં ચાલી રહ્યો હતો. હવે આ કેસમાં સેશન્સ કોર્ટે પરવેઝ ટકને હત્યાનો દોષી ઠેરવ્યો છે અને તેને ફાંસીની સજા ફટકારી છે. આ ઉપરાંત પરવેઝને પુરાવાનો નાશ કરવાનો પણ દોષી ઠેરવવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર મામલો 14 વર્ષ જૂનો છે. લૈલાના પિતા નાદિર પટેલે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ટાક અને તેના સાથી આસિફ શેખે કથિત રીતે લૈલા અને તેના પરિવારનાં સભ્યોનું અપહરણ કરી લીધું છે.
હત્યાના થોડા મહિના પછી જયારે જમ્મુ-કાશ્મીર પોલીસે છેતરપિંડીના કેસમાં પરવેઝ ટાકની ધરપકડ કરી હતી. શરૂઆતમાં ટાકે દાવો કર્યો હતો કે, લૈલા અને તેનો પરિવાર દુબઈમાં છે. બાદમાં પરવેઝે કબૂલ્યુ કે, તેણે મહારાષ્ટ્રમાં આ લોકોની હત્યા કરી દીધી હતી. બાદમાં તેને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.પરવેઝ જમ્મુ અને કાશ્મીરમાં ફોરેસ્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. પરવેઝનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે.
દોષિતે લૈલા, તેની મા અને ચાર ભાઈ-બહેનોની હત્યા કરી દીધી હતી, તેમની લાશોને ફાર્મ હાઉસમાં દાટી દીધી હતી. જે બાદ પોલીસ પૂછપરછમાં આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો.
ફાર્મ હાઉસમાંથી હાડપિંજર મળી આવ્યું
પરવેઝે હત્યાની કબૂલાત કર્યા પછી, લૈલા અને તેના પરિવારના હાડપિંજર ઇગતપુરીના એક ફાર્મ હાઉસમાંથી મળી આવ્યા હતા. પરવેઝે પોલીસને જણાવ્યું હતું કે, લૈલા તેના પરિવાર સાથે ઇગતપુરી ફાર્મ હાઉસમાં રજાઓ ગાળવા ગઈ હતી. જ્યાં પરવેઝે બધાને મારીને ખાડામાં દાટી દીધા હતા.
લૈલા કોણ હતી?
લૈલાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત કન્નડ ફિલ્મ મેકઅપથી કરી હતી. તેનું અસલી નામ રેશ્મા પટેલ હતું પરંતુ તેણે પહેલી ફિલ્મ બાદ પોતાનું નામ બદલી નાખ્યું હતું. લૈલાએ રાજેશ ખન્ના સાથે પણ કામ કર્યું હતું. તેણે તેની સાથે ફિલ્મ વફાઃ અ ડેડલી લવ સ્ટોરીમાં કામ કર્યું હતું. લૈલાએ આ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા જેના કારણે તેની ખૂબ ટીકા થઈ હતી.