આમિર ખાનની 'લાપતા લેડીઝ' ઓસ્કારની રેસથી બહાર, હવે શહાના ગોસ્વામીની 'સંતોષ'થી આશા
Laapataa Ladies Out of Oscars 2025: કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડીઝ'ને ઓસ્કાર 2025માં ઝટકો લાગ્યો છે. આમિર ખાન દ્વારા નિર્મિત, આ ફિલ્મ 97મા એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી હતી. પરંતુ ખરાબ સમાચાર એ છે કે લાપતા લેડીઝ ઓસ્કાર જીતવાની રેસમાંથી બહાર છે.
'લાપતા લેડીઝ'ને ઓસ્કાર 2025માં લાગ્યો ઝટકો
મંગળવારે, એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સે આગામી રાઉન્ડ માટે પસંદ કરવા માટેની 15 ફિલ્મોની જાહેરાત કરી. જેમાં કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લાપતા લેડીઝ' શોર્ટલિસ્ટ થઇ શકી નથી.
ઓસ્કારની રેસમાં વધુ બે ભારતીય ફિલ્મો
જો કે આ પછી પણ ભારતની વધુ બે ભારતીય ફિલ્મો ઓસ્કારની રેસમાં છે. ફિલ્મ 'લાપતા લેડીઝ' ઓસ્કાર 2025માં નિરાશ થઈ છે. બીજી તરફ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ભારતનું નામ હજુ પણ જોવા મળી રહ્યું છે.
ફિલ્મ 'સંતોષ'ની આગામી રાઉન્ડ માટે પસંદગી
આમિરની ફિલ્મ ભલે ઓસ્કારની યાદીમાંથી આઉટ થઈ ગઈ હોય, પરંતુ UK દ્વારા ઓસ્કાર 2025 માટે મોકલવામાં આવેલી હિન્દી ભાષાની ફિલ્મ 'સંતોષ'ને આગામી રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન બ્રિટિશ ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીએ કર્યું છે. ઓસ્કાર 2025ના વિજેતાઓની જાહેરાત 2 માર્ચે કરવામાં આવશે.
ફિલ્મ 'લાપતા લેડીઝ'એ કેટલી કમાણી કરી?
ફિલ્મ 'લાપતા લેડીઝ'ને 1 માર્ચ 2024 ના રોજ રીલીઝ થઇ હતી. આમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, રવિ કિશન, સ્પર્શ શ્રીવાસ્તવ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. ગ્રામીણ ભારતમાં બનેલી આ ફિલ્મ બે દુલ્હનો પર છે જે એક ટ્રેનમાં અદલાબદલી થાય છે. કિરણ રાવની આ ફિલ્મ અનેક સામાજિક મુદ્દાઓને સ્પર્શે છે. 5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું ઈન્ડિયા નેટ કલેક્શન 20.58 કરોડ રૂપિયા છે. જ્યારે વિશ્વભરમાં આ ફિલ્મે 27.06 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
શું છે ફિલ્મ 'સંતોષ'ની વાર્તા?
ફિલ્મમાં શહાના ગોસ્વામી પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે. સુનીતા રાજવાર, સંજય બિશ્નોઈ, કુશલ દુબે, નવલ શુક્લા અને પ્રતિભા અવસ્થી પણ મહત્વના રોલમાં છે. 'સંતોષ' એક વિધવા (શહાના ગોસ્વામી)ની વાર્તા છે, જે તેના પતિના મૃત્યુ પછી તેની જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલની નોકરી મેળવે છે. હવે તેને નોકરી મળે છે, પરંતુ તેને અનેક પડકારોનો સામનો કરવો પડે છે.