ક્રિતી સેનન હાથ પરની ફિલ્મો પૂરી કર્યા બાદ લગ્ન કરશે
- આ વર્ષે લગ્ન કરી લે તેવી શક્યતા ઓછી
- ધનુષ સાથેની તેરે ઈશ્ક મેં અને તે પછી કોકટેલ ટૂનું શૂટિંગ બાકી છે
મુંબઈ : ક્રિતી સેનન આ વર્ષે બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે લગ્ન કરી લેશે તેવી અટકળોને તેનાં નજીકનાં સૂત્રોએ નકારી છે. તેમના જણાવ્યા મુજબ ક્રિતી પહેલાં હાલ તેના હાથ પરની ફિલ્મો પૂરી કરશે. તે પહેલાં તે લગ્ન નહિ કરે. તેનું આ વર્ષનું શૂટિંગ શિડયૂલ જોતાં ચાલુ વર્ષે લગ્નની શક્યતા ઓછી છે.
ક્રિતી પાસે હાલ ધનુષ સાથેની 'તેરે ઈશ્ક મેં ' ફિલ્મ છે. જેનું શૂટિંગ ઓલરેડી દિલ્હીમાં શરુ થઈ ગયું છે. તે પછી તે 'કોકટેલ ટૂ'નાં શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે.
સૂત્રોએ કહ્યું હતું કે ક્રિતી પાસે હાલ લગ્ન માટે સમય જ નથી. તેનું આ વર્ષનું સમગ્ર શૂટિંગ શિડયૂલ ભરચક છે. તે પહેલાં પ્રોફેશનલ કમીટમેન્ટસને અગ્રતા આપશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ક્રિતી તેના બોયફ્રેન્ડ કબીરનાં માતાપિતાને દિલ્હીમાં મળી હતી. તે લગ્નની તારીખો નક્કી કરવા પહોંચી હોવાની અટકળો પ્રસરી હતી.
બોલીવૂડમાં હાલ નવી હિરોઈનોમાં તૃપ્તિ ડિમરીને મહત્તમ પ્રોજેક્ટસ મળી રહ્યા છે. બીજી બાજુ ટોચનાં બેનર્સ શર્વરી વાઘ પર પણ પસંદગી ઉતારી રહ્યાં છે. આ સંજોગોમાં ક્રિતી સામે સ્પર્ધા એકદમ વધી ગઈ હોવાથી તે હવે વહેલીતકે લગ્ન કરી બાદમાં પસંદગીની ફિલ્મોમાં જ કારકિર્દી આગળ ધપાવે તેવી અટકળો ચાહકો વ્યક્ત કરી રહ્યા છે.