ક્રિતી સેનનનો વિચિત્ર દાવો, નેપોટિઝમ માટે દર્શકો જવાબદાર
- સોશિયલ મીડિયા પર લોકોએ ટ્રોલ કરી
- બહારના લોકોએ બોલીવૂડમાં ટકી રહેવા માટે વધારે સંઘર્ષ કરવો પડે છે
મુંબઇ : બોલીવૂડમાં નેપોટિઝમ માટે દર્શકો જવાબદાર છે તેવો દાવો ક્રિતી સેનને કર્યો છે .તેના આ દાવા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી હતી.
ક્રિતીએ ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એક સત્રમાં બોલતી વખતે કહ્યું હતું કે નેપોટિઝમને ઉત્તેજન આપવા માટે દર્શકો અને મીડિયા એકસરખાં જવાબદાર છે. મીડિયા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને જ વધારે કવરેજ આપે છે. ક્રિતીએ એમ પણ કહ્યું હતું કે બહારના લોકોએ અહીં ટકી રહેવા માટે વધારે સંઘર્ષ કરવો પડે છે .પરંતુ, બે-ત્રણ વર્ષની દ્રઢ મહેનત બાદ કોઈ તેમને રોકી શકતું નથી.
લોકોએ આ નિવેદન વિશે જાતભાતની ટિપ્પણી કરી હતી. કેટલા લોકોએ કહ્યું હતું કે પ્રોડયૂસરો નેપો કિડ્ઝને સાઈન કરતી વખતે દર્શકોની સંમતિ લેતા નથી. કેટલાકે લખ્યું હતું કે માત્ર નેપો કિડ્ઝની જ ફિલ્મો ચાલતી હોત તો ક્રિતીનો દાવો વાજબી હોત પરંતુ વાસ્તવમાં અનેક નેપોકિડ્ઝ એક-બે ફિલ્મો પછી ફલોપ થઈ ગયાના દાખલા છે.