ઓસ્કારની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ, ટ્રોફીમાં કોની છે મૂર્તિ જેને વિશ્વના દરેક ફિલ્મ મેકર્સ મેળવવા માંગે છે? જાણો બધુ જ
96મા એકેડેમી એવોર્ડના વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે
જાણો ઓસ્કાર ટ્રોફી બનાવવામાં આવી છે તે અને તેનો ઓસ્કર સાથે શું સંબંધ છે
Oscars Award history: ઓસ્કાર ટ્રોફી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આપવામાં આવતું સૌથી મોટું સન્માન છે. એટલું જ નહીં, આને હાંસલ કરવું એ દરેક ફિલ્મ નિર્માતા અને અભિનેતાનું સપનું હોય છે. ત્યારે આજે અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં 96મો એકેડેમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ 2024 યોજાયો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ ઓસ્કાર ટ્રોફીમાં કોની પ્રતિમા બનાવવામાં આવી છે, શું તમે જાણો છો કે એકેડેમી એવોર્ડ ટ્રોફીને ઓસ્કાર કેમ કહેવામાં આવે છે અને તેની ટ્રોફી કેવી રીતે બની? ચાલો તેના વિશે જાણીએ.
શું છે ઓસ્કારનો ઈતિહાસ?
1927માં, એમજીએમ સ્ટુડિયોના વડા લુઈસ બી. મેયર અને અન્ય લોકોએ સાથે મળીને ફિલ્મ ઉદ્યોગને લાભ આપવા માટે એક સંસ્થા બનાવવાનું વિચાર્યું. આ પછી જાન્યુઆરી 1927માં લોસ એન્જલસમાં એમ્બેસેડર હોટેલમાં ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનર પાર્ટીમાં કુલ 36 લોકોએ ભાગ લીધો હતો, જ્યાં સંગઠન બનાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસ્તાવને બધાએ ટેકો પણ આપ્યો.
ઓસ્કાર ક્યારે શરૂ થયો?
મળતી માહિતી મુજબ ઓસ્કાર એવોર્ડની શરૂઆત અમેરિકાની એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ ઓસ્કાર એવોર્ડ ઈવેન્ટ 16 મે 1929ના રોજ યોજાઈ હતી. 1927માં, એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સની બેઠકમાં પ્રથમ વખત ટ્રોફીની ડિઝાઇન પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શિલ્પકાર જ્યોર્જ સ્ટેનલી દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાને ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી. આ ટ્રોફી મેટલની બનેલી છે. તેમજ તેના પર સોનાનું પડ છે. ઓસ્કાર ટ્રોફી 13.5 ઈંચ લાંબી છે અને તેનું વજન 8.5 પાઉન્ડ એટલે કે 3.85 કિલોગ્રામ છે. પ્રથમ ઓસ્કાર હોટેલ રૂઝવેલ્ટમાં યોજાયો હતો.
ઓસ્કાર એવોર્ડમાં આપવામાં આવેલી ટ્રોફીમાં કોની પ્રતિમા?
ઓસ્કાર એવોર્ડમાં આપવામાં આવેલી ટ્રોફીની પ્રેરણા મેક્સીકન ફિલ્મ નિર્માતા અને અભિનેતા એમિલિયો ફર્નાન્ડીઝ હતા. તેમનો જન્મ 1904માં મેક્સિકોના કોહુઈલામાં થયો હતો. તેમજ એમિલિયો મેક્સિકન ક્રાંતિ દરમિયાન મોટા થયા હતા. જેમાં તેઓ હાઈસ્કુલ છોડીને બળવાખોરોના અધિકારી બન્યા. બળવાખોરીના કારણે 1925 માં તેની ધરપકડ થઈ અને 20 વર્ષની સજા થઈ. પરંતુ તે ત્યાંથી પણ ભાગી ગયા અને લોસ એન્જલસની સરહદ પાર કરી ગયા અને એક દાયકો દેશનિકાલમાં વિતાવ્યો.
જો કે, આ સમય દરમિયાન તેણે હોલિવૂડમાં વધારાનું કામ કરવાનું શરૂ કર્યું. ક્જ્યા તેમને સાયલન્ટ ફિલ્મ સ્ટાર ડોલોરેસ ડેલ રિયો દ્વારા અલ ઈન્ડિયો નામ આપવામાં આવ્યું હતું. આ પછી તે અભિનેત્રી રિયોનો સારો મિત્ર બની ગયો. રિયો મેટ્રો-ગોલ્ડવિન-મેયર સ્ટુડિયોના આર્ટ ડિરેક્ટર અને એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સના સભ્ય સેડ્રિક ગિબન્સના પત્ની હતા. ડેલ રિયોએ ફર્નાન્ડીઝને ગિબન્સ સાથે પરિચય કરાવ્યો, જે તે સમયે પ્રતિમાની ડિઝાઇન પર કામ કરી રહ્યા હતા.
ગિબન્સે એમિલિયોને ઓસ્કાર ટ્રોફી માટેનો આધાર સ્કેચ માટે પોઝ આપવા કહ્યું. એમિલિયોએ અનિચ્છાએ પોઝ આપ્યો અને તે એક આઇકોનિક પોઝ બની ગયો. જ્યોર્જ સ્ટેનલીએ તેને તૈયાર કર્યો અને આ ટ્રોફી 1929માં લોસ એન્જલસમાં આયોજિત પ્રથમ ઓસ્કાર સમારોહમાં આપવામાં આવી. આ ડિઝાઇન આજ સુધી ચાલુ છે. એમિલિયોને હજુ પણ મેક્સીકન સિનેમાના એક મહાન ડિરેકટર ગણવામાં આવે છે. પરંતુ તેમની 50 વર્ષની કારકિર્દીમાં એમિલિયો ક્યારેય ઓસ્કાર મેળવી શક્યો નથી.
2000 થી વધુ લોકોએ ટ્રોફી મેળવી હતી
1929 થી અત્યાર સુધીમાં બે હજારથી વધુ ઓસ્કાર ટ્રોફી એનાયત કરવામાં આવી છે. માહિતી અનુસાર, તેઓ શિકાગોની આરએસ સાયન્સ કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ કંપનીને 50 ટ્રોફી તૈયાર કરવામાં લગભગ ત્રણથી ચાર અઠવાડિયા લાગે છે. વિશ્વયુદ્ધ દરમિયાન ધાતુની અછત હોવાથી અગાઉ ટ્રોફી તાંબાની બનેલી હતી. પરંતુ હવે તે 24 કેરેટ પ્યોર ગોલ્ડ પ્લેટેડ બ્રિટેનિયમથી બનેલું છે.
એવોર્ડનું નામ ઓસ્કાર કેવી રીતે પડ્યું?
આજે દુનિયાભરના લોકો આ એવોર્ડને ઓસ્કર એવોર્ડના નામથી જાણે છે, પરંતુ તેનું અસલી નામ 'એકેડેમી એવોર્ડ ઓફ મેરિટ' છે. આ એવોર્ડ શોનું આયોજન સૌપ્રથમ 16 મે, 1929ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રથમ ઓસ્કાર સમારોહ અમેરિકાની હોટલમાં યોજાયો હતો, જે માત્ર 15 મિનિટ ચાલ્યો હતો. એકેડેમી પુરસ્કાર ટ્રોફીને 'ઓસ્કાર' નામ આપવાનો શ્રેય એકેડેમી ગ્રંથપાલ માર્ગારેટ હેરિકને જાય છે. તેણે તેનું નામ 'ઓસ્કર' રાખ્યું કારણ કે તેને લાગ્યું કે આ ટ્રોફી તેના કાકા ઓસ્કર જેવી છે.