કે કે મેનન શેરલોક હોમ્સ તરીકે દેખાશે, રણવીર શૌરી વોટ્સનની ભૂમિકામાં
- શેરલોક હોમ્સનું ભારતીય વર્ઝન આવી રહ્યું છે
- શેરદીલ , ધી પીલભીત સાગાના દિગ્દર્શક શ્રીજીત મુખરજી આ શોનું દિગ્દર્શન સંભાળશે
મુંબઈ : આર્થર કોનન ડાયલની શેરલોક હોમ્સની વાર્તાઓ વિશ્વ સાહિત્યમાં લોકપ્રિયતાના શિખર પર છે. તેના પરથી અનેક નાટક તથા ફિલ્મ્સ પણ બન્યાં છે.
હવે શેરલોક હોમ્સની મૂળ સીરીઝનું ભારતીય વર્ઝન તૈયાર થઈ રહ્યું છે. તેમાં શેરલોક હોમ્સની ભૂમિકા બહુ જ પ્રતિભાશાળી કલાકાર કે. કે. મેનન ભજવશે.
શેરલોક હોમ્સ સાથે તેના સાથીદાર વોટ્સનનું પાત્ર પણ એટલું જ અગત્યનું હોય છે. આ પાત્ર માટે નિવડેલા અભિનેતા રણવીર શૌરીની પસંદગી કરવામાં આવી છે.
આ સીરીઝને શ્રીજીત મુખરજી દિગ્દર્શિત કરવાના છે. તેઓ અગાઉ પંકજ ત્રિપાઠીની 'શેરદીલ ધી પીલભીત સાગા' તથા તાપસી પન્નુની 'શાબાસ મિઠ્ઠુ'નું દિગ્દર્શન કરી ચૂક્યા છે.
આ સીરીઝ ખાસ કરીને કે. કે. મેનના ચાહકો માટે બહુ મોટી ઉજવણી સમાન બની રહેશે. તાજતેતરમાં રીલીઝ થયેલી 'ફર્ઝી' વેબ સીરીઝમાં પણ અન્ય તમામ કલાકારોને બાજુ પર રાખીને કે. કે. મેનનના અભિનયનાં જ સર્વાધિક વખાણ થયાં છે.