પ્રખ્યાત મોડેલે ભગવાન ગણેશની મૂર્તિ સાથે પોઝ આપતા લોકો ગુસ્સે ભરાયા, ટ્રોલ થતાં જ તસવીરો હટાવી
Image:Twitter
અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દશિયન (Kim Kardashian) અને તેની બહેન ક્લોઇ કાર્દશિયન (Khloe Kardashian ) 12-14 જુલાઈ વચ્ચે મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ઉત્સવનો ભાગ બન્યા હતા. બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે બોલિવૂડની હસ્તીઓ, હોલિવૂડ સ્ટાર્સ તેમજ પોલિટીશિય,સ્પોર્ટસ જગતના નામી ચહેરાઓ વગેરે જોવા મળ્યા હતા.
કિમ કાર્દશિયને આ ભવ્ય લગ્ન સમારોહની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાંની કેટલીક તસવીરો ભગવાન ગણેશની મૂર્તિ સાથે પણ ક્લિક કરવામાં આવી હતી. ભગવાનની મૂર્તિ સાથે અજીબોગરીબ પોઝ આપતી આ તસવીરો જોઇને યુઝર્સ ભડક્યા હતા.
યુઝર્સે કિમ પર હિંદુ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ લગાવીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જે બાદ કિમને પોતાની ભૂલનો અહેસાસ થતા તેણે આ તસવીરો ડિલીટ કરી દીધી હતી.
ડિલીટ કરાયેલા એક ફોટોમાં કિમ ગણપતિની મૂર્તિ સાથે પોઝ આપતી જોવા મળી હતી, જ્યારે બીજા ફોટોમાં ગણપતિની મૂર્તિના માથા પર બંને હાથ રાખીને પોઝ આપ્યો હતો. આ બીજો ફોટો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ ગુસ્સે થઈ ગયા. યુઝર્સ આ પોસ્ટ પર કમેન્ટ કરવા લાગ્યા હતા.
કેટલાક યુઝર્સે આ ફોટા શેર કરતા નીચે કમેન્ટ સેક્શનમાં કિમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, તે જેની સાથે પોઝ આપી રહી છે તે કોઈ શોપીસ કે પ્રોપ નથી, પરંતુ હિન્દુ ભગવાન ગણેશની મૂર્તિ છે. થોડા સમય પછી જ્યારે આ ટ્રોલિંગ વધવા લાગ્યું તો કિમની ટીમે આ ફોટાને તરત જ ડિલીટ કરી દીધા.
ફોટો ડિલીટ કર્યા બાદ કિમ કે તેની ટીમ દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ ડેમેજ કંટ્રોલ તરીકે, તેના ભારતીય ચાહકોને ખુશ કરવા માટે, કિમ અને તેની બહેને મુંબઈના જુહુમાં આવેલા ઈસ્કોન મંદિરમાં પહોંચ્યા હતા. કિમ અને તેની બહેને અમેરિકા જતા પહેલાં ઇસ્કોન ટેમ્પલના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર જય શેટ્ટી સાથે થોડો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેમણે શાળાના બાળકોને ભોજન પણ ખવડાવ્યું હતું. આ તસવીરો જોયા બાદ લોકોનો ગુસ્સો થોડો શાંત થયો.