કિયારાએ રેપિસ્ટ કોરિયોગ્રાફરની પ્રશંસા કરતાં ચાહકોમાં ભારે રોષ
- ગેન્મ ચેન્જરનાં સોંગ માટે જાની માસ્ટરનાં વખાણ કર્યાં
- સગીર આસિસ્ટન્ટ પર રેપના આરોપ બદલ જાની માસ્ટરનો નેશનલ એવોર્ડ પણ પાછો ખેંચી લેવાયો છે
મુંબઈ : કિયારા અડવાણીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સગીર આસિસ્ટન્ટ પર બળાત્કારના આરોપી કોરિયોગ્રાફર જાની માસ્ટરનાં પણ વખાણ કરી નાખતાં ચાહકો ભાર ેઉકળી ઉઠયા છે. તેમણે કિયારાને ભારે ટ્રોલ કરી છે.
કિયારા જેવા સ્ટાર્સ યાંત્રિક રીતે પોસ્ટ કરતા જાય છે અને તેમને કોઈની સંવેદનાઓની કદર નથી કે આવા સ્ટાર્સ જાણે અજાણે ગુનાખોરીને પ્રોત્સાહન આપે છે તેવી ટીકા થઈ રહી છે.
કિયારાએ તેની રામચરણ સાથેની આગામી ફિલ્મ 'ગેમ ચેન્જર'નું એક ગીત રીલિઝ થયા બાદ આ ગીત માટે કેવી રીતે બધાએ મહેનત કરી હતી તેનો શૂટિંગ અને પ્રેક્ટિસ વખતનો વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે અન્ય લોકોની સાથે સાથે જાની માસ્ટરનાં પણ વખાણ કરી નાખ્યાં છે.
ત્યારબાદ કિયારાની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં તેની ઝાટકણી કાઢતી પોસ્ટસનો ઢગલો થઈ ગયો છે. કેટલાકે તો એમ પણ લખ્યું છે કે કિયારાએ 'કબીરસિંઘ ' ફિલ્મમાં ગર્લફ્રેન્ડને માલિકીની ચીજ જ ગણતા હિરોના અત્યાચારને વેઠી લેતી હિરોઈનનો રોલ પણ કર્યો છે. એટલે તેને કદાચ સ્ત્રી સન્માન જેવી કોઈ ભાવના જ નથી.
ઉલ્લેખનીય છે કે જાની માસ્ટર પર તેની એક આસિસ્ટન્ટ કોરિયોગ્રાફરે વારંવાર બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો હતો. આસિસ્ટન્ટના આક્ષેપ અનુસાર તે પુખ્ત વયની પણ ન હતી ત્યારથી જાની માસ્ટરે તેને વારંવાર જાતીય અત્યાચારનો ભોગ બનાવી હતી. હૈદરાબાદ પોલીસે ગોવાથી જાની માસ્ટરની ધરપકડ કરી હતી અને હાલ તે જામીન પર છે. આ વિવાદ બાદ તેનો નેશનલ એવોર્ડ પાછો ખેંચી લેવાયો છે. 'પુષ્પા' સહિત સાઉથની અને બોલીવૂડની અનેક હિટ ફિલ્મો માટે જાની માસ્ટરે કામ કર્યું છે.