કાર્તિક આ મહિને અનુરાગ બસુની લવ સ્ટોરીનું શૂટિંગ શરૂ કરશે
- કરણ જોહરની ફિલ્મને અગ્રતા નહિ આપે
- ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નથી, કાર્તિકની હિરોઈન તરીકે શર્વરી વાઘ સાઈન થઈ
મુંબઈ: કાર્તિક આર્યન તાજેતરમાં કરણ જોહરનાં બેનરની 'તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી' સાઈન કરીને ચર્ચામાં આવ્યો છે. જોકે, હાલ તે આ ફિલ્મનું શૂટિંગ શરુ નહીં કરે. પહેલાં તે અનુરાગ બસુ નાં દિગ્દર્શન હેઠળની અને લવ સ્ટોરી પર આધારિત ફિલ્મનું શૂટિંગ ચાલુ કરશે.
બસુની ફિલ્મનું મુહૂર્ત થઈ ચૂક્યું છે. જોકે, હજુ ફિલ્મનું ટાઈટલ નક્કી નથી. ફિલ્મમાં કાર્તિક સામે હિરોઈન તરીકે શર્વરી વાઘ નક્કી થઈ છે. પહેલાં હિરોઈનનો રોલ તૃપ્તિ ડિમરી કરવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ તૃપ્તિની જગ્યાએ શર્વરીને રિપ્લેસ કરવાામાં આવી છે.
આ ફિલ્મ આગામી વર્ષે રીલિઝ થવાની છે. અગાઉ એવી અટકળ હતી કે આ ફિલ્મ 'આશિકી થ્રી' હોઈ શકે છે. જોકે, બાદમાં 'આશિકી' ફ્રેન્ચાઈઝીના મૂળ નિર્માતા મુકેશ ભટ્ટે વાંધો ઉઠાવતાં આ ફિલ્મ 'આશિકી થ્રી' નહિ પરંતુ અલગ જ લવ સ્ટોરી હોવાનું જાહેર કરાયું હતું.
બીજી તરફ 'તુ મેરી મૈ તેરા , મૈ તેરા તુ મેરી' પણ આવતાં વર્ષે રીલિઝ કરવાનું નક્કી થયું છે. જોકે, કાર્તિકે હજુ સુધી તેનાં શૂટિંગ માટે શિડયૂલ નક્કી કર્યું નથી.
કાર્તિકે કરણ જોહરના બેનરનો 'દોસ્તાના ટૂ' પ્રોજેક્ટ અધવચ્ચેથી છોડયો હતો. તે પછી બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. પરંતુ, હવે બંનેએ ફરી દોસ્તીનો હાથ લંબાવ્યો છે.