કાર્તિક આર્યનના મામા-મામીનું ઘાટકોપર હોર્ડીંગ દુર્ઘટનામાં નિધન, 56 કલાક બાદ મળ્યા મૃતદેહ
Kartik Aaryan Family Member Passed Away: 13 મેના દિવસે મુંબઈ આવેલા તોફાન દરમિયાન ઘાટકોપરમાં અકસ્માત થયો હતો, જેમાં ઘણું નુકસાન થયું હતું. આ દરમિયાન બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના મામા-મામીનું પણ નિધન થયું છે. દુર્ઘટનાના 56 કલાક પછી તેમનો મૃતદેહ મળ્યો હતો. તેમજ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે અને 75 લોકો ઘાયલ થયા છે.
હોર્ડિંગ પડવાથી થયું મોત
કાર્તિક આર્યનના મામા મનોજ ચાન્સોરિયા ઈન્દોર એરપોર્ટના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા. તેઓ તેમના પત્ની અનિતા ચાન્સોરિયા સાથે તેમના દીકરાના અમેરિકા મળવા જવાની તૈયારી માટે મુંબઈ આવ્યા હતા. અમેરિકા જતા પહેલા તેઓ થોડા દિવસ મુંબઈમાં રહેવાના હતા. એવામાં તેમના દીકરા યશની તેના માતા-પિતા સાથે વાત ન થતા તેણે સંબંધીઓનો સંપર્ક કર્યો હતો. એવામાં યશને જાણવા મળ્યું કે તેના માતા-પિતા મુંબઈના તોફાનમાં ફસાઈ ગયા છે. આથી મામલાની તપાસ કરતા 56 કલાક બાદ તેમના મૃતદેહ મળ્યો હતો.
પોલીસે કેવી રીતે કરી તપાસ?
ઓથોરિટી દ્વારા કાર્તિક આર્યનના મામાનો ફોન ટ્રેસ કરતા તેમનું લાસ્ટ લોકેશન પેટ્રોલ પંપ પાસે મળ્યું હતું. મૃતદેહ મળ્યા બાદ ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 60 કલાક બાદ 16 લોકોએ જીવ ગુમાવ્યા અને 75 લોકો ઘાયલ પણ થયા. હાલ અકસ્માત થયેલ જગ્યાને સીલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવશે.