કાર્તિક આર્યને કરણ જોહરની 150 કરોડની ફિલ્મ માટે તગડી ફી પડાવી
- ભૂલ ભૂલૈયા ૩ની સફળતા પછી અભિનેતાએ પોતાની ફીમાં વધુ વધારો કરી દીધો છે
મુંબઇ : કાર્તિક આર્યનની ૨૦૨૪ની ભૂલ ભૂલૈયા ૩ બોક્સ ઓફિસ પર હિટ ગઇ છે. તે દર્શકો અને નિર્માતાઓનો માનીતો બની ગયો છે. બોલીવૂડના ટોચના નિર્માતાઓ તેની સાથે કામ કરવા તૈયાર છે. તેથી જ કરણ જોહર જેવા નિર્માતાએ ગઇ ગુજરી ભૂલી જઇને કાર્તિકને પોતાની ફિલ્મમાં સાઇન કર્યો છે.અભિનેતાએ પોતાની સફળતાને ધ્યાનમાં રાખીને ફીમાં વધારો કરી દીધો છે. તેણે કરણ જોહરની ૧૫૦ કરોડ રૂપિયાની ફિલ્મ માટે ૫૦ કરોડ રૂપિયા જેટલી તગડી ફી પડાવી છે.
કાર્તિકે પોતાની ફી વધારવાની ક્ષમતા પુરવાર કરી દીધી છે. તેનું તાજુ જ ઉદાહરણ રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇન સાથેની ભૂલ ભૂલૈયા-૩ની ટક્કર છે. બન્ને ફિલ્મોની રિલીઝ ટાણે રોહિત શેટ્ટી અને અજયદેવગણની ફિલ્મ મેદાન મારી જશે તેવો લોકોને વિશ્વાસ હતો. પરંતુ બોક્સઓફિસે લોકોની ગણતરી ઊંધી પાડી દીધી. ભૂલ ભૂલૈયા ૩એ અજય દેવગણની સિંઘમ અગેઇનને હંફાવી દીધી. બોક્સ ઓફિસ પર તો ભૂલ ભૂલૈયા ૩એ સિંગમ અગેઇન કરતાં ડબલ કલેકશન કર્યું હતું. સિંઘમ અગેઇન કરતાં કાર્તિકની ફિલ્મ આગળ નીકળી જતાં તે હવે મોં માંગી ફી પડાવી રહ્યો છે.
કરણ જોહરની કાર્તિક સાથેની આ ફિલ્મ તૂ મેરી મેં તેરા, મેં તેરા તૂ મેરી ૨૦૨૬માં રિલીઝ થવાની છે.