કાર્તિકને સોલો હિરો તરીકેનો ફાંકો હોવાથી બોર્ડર-ટુ માટે ના પાડી
- એકલાના દમ પર જ ફિલ્મ ચલાવી શકવાનો મદ
- બોર્ડર ટૂ માટે સની દેઓલ અને આયુષ્યમાન ખુરાના સિવાય અનેક કલાકારોનો શંભુમેળો જામવાની વકી
મુંબઈ : સની દેઓલની 'બોર્ડર ટૂ'માં એક ભૂમિકા કાર્તિક આર્યનને પણ ઓફર થઈ હતી પરંતુ તેણે આ માટે ઈનકાર કરી દીધો છે.
કાર્તિકને એવો વહેમ છે કે પોતે સોલો હિરો તરીકે પોતાના એકલાના દમ પર ફિલ્મ ચલાવી શકે તેમ છે આથી પોતે મલ્ટી સ્ટારર ફિલ્મ કરવાની કોઈ જરુર નથી.
'બોર્ડર'માં સની ઉપરાંત અક્ષય ખન્ના, સુનિલ શેટ્ટી સહિતના સંખ્યાબંધ કલાકારો હતો. 'બોર્ડર ટૂ' માટે આયુષ્યમાન ખુરાના ફાઈનલ થઈ ચૂક્યો હોવાનું કહેવાય છે.
કાર્તિક આર્યનને બીક છે કે આટલા બધા કલાકારોની વચ્ચે પોતાને એકલાને કોઈ જાતની ક્રેડિટ નહીં મળે. જોકે, કાર્તિક આર્યનના નિકટવર્તી વર્તુળો એવો દાવો કરે છે કે મલ્ટીસ્ટારર હોવાને લીધે નહીં પરંતુ સ્ક્રિપ્ટ બાબતે કેટલાક વાંધા પડતાં કાર્તિક આ ફિલ્મમાંથી નીકળી ગયો છે. કાર્તિકનું ફોક્સ હવે 'આશિકી થ્રી' જેવી ફિલ્મો જ છે જેમાં તે સોલો હિરો છે. 'બોર્ડર ટૂ'નું શૂટિંગ આવતાં વર્ષના મધ્યભાગથી શરુ થશે તેવી ધારણા છે.
આ ફિલ્મનું બજેટ 'મૂળ બોર્ડર' કરતાં અનેકગણુ વધારે હશે અને તે જે.પી. દત્તા ઉપરાંત બીજા નિર્માતાઓ દ્વારા પ્રોડયૂસ કરાશે.
દરમિયાન,જે. પી. દત્તાની ટીમના સભ્યોએ એવો દાવો કર્યો હતો કે આ ફિલ્મનાં કાસ્ટિંગ વિશે હજુ કશું ફાઈનલ નથી થયું અને અત્યારે જે બધી ચર્ચાઓ થાય છે એ માત્ર અફવાઓ જ છે.