કાર્તિક આર્યને ફિલ્મ દિગ્દર્શન માટે તૈયારીઓ શરૂ કરી
- ટૂંક સમયમાં દિગ્દર્શનમાં ઝંપલાવવાનો સંકેત
- સેટ પર કેમેરા પાછળની બારીક ચીજોને પણ સમજે છે, ફિલ્મ ક્રૂને સવાલો કરતો રહે છે
મુંબઈ: કાર્તિક આર્યને ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવવાની તૈયારીઓ શરુ કરી છે. આ માટે તેણે દિગ્દર્શનની બારીક ચીજોને શીખવાનું ચાલુ પણ કરી દીધું છે.
વાસ્તવમાં એક્ટર ગજરાજ રાવે તાજેતરમાં કાર્તિકને ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવવાી ઈચ્છા હોવાનું રહસ્યોદ્ધઘાટન કર્યું હતું.
ગજરાજ રાવે કહ્યું હતું કે કાર્તિક બહુ જિજ્ઞાસુ વૃત્તિ ધરાવે છે. સેટ પર બે શોટ વચ્ચે બેસી રહેવાને બદલે તે ફિલ્મની ક્રૂ સાથે હળે ભળે છે અને તેમને કેમેરા પાછળની જુદી જુદી ચીજો વિશે સતત પૂછતો રહે છે.
કેમેરા એંગલ, રાઈટિંગ, ટેકનિકલ બાબતોનો પણ અભ્યાસ કરતો રહે છે.
આ વિશે પૂછાતાં કાર્તિકે પણ સ્વીકાર્યું હતું કે તેને ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવવાની સો ટકા ઈચ્છા છે.
બોલીવૂડના હાલના અનેક કલાકારો ફિલ્મ નિર્માતા બની ચૂક્યા છે પરંતુ દિગ્દર્શન અને એક્ટિંગ બંને પર હાથ અજમાવતા હોય તેવા કલાકારો બહુ ઓછા છે. રણદીપ હુડાએ તાજેરતમાં 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' ફિલ્મ દિગ્દર્શિત કરી હતી પરંતુ આ ફિલ્મ ફલોપ ગઈ હતી.