કન્નડ ફિલ્મ ઉદ્યોગ મહિલાઓની સુરક્ષાનો પ્લાન બનાવે, કર્ણાટક મહિલા આયોગનું 15 દિવસનું અલ્ટીમેટમ
Image:Freepik
Kannada Film Industry On Sexual Harassment: કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાતીય સતામણીનો વિવાદ સતત વધતો જઇ રહ્યો છે. ત્યારે વધુ એક અપડેટ સામે આવી છે, જેમાં કર્ણાટક મહિલા આયોગ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. થોડા સમયથી મલયાલમ સિનેમામાં મહિલાઓ અને અભિનેત્રીઓની સ્થિતિ વિશે માહિતી આપતી હેમા સમિતિના અહેવાલની ખૂબ ચર્ચા થઈ હતી. હવે કર્ણાટક મહિલા આયોગે કન્નડ સિનેમામાં થતા યૌન શોષણ અને અન્ય દુર્વ્યવહારનો સામનો કરવા કન્નડ ફિલ્મ ચેમ્બર સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું.
જો કે કન્નડ ફિલ્મ ચેમ્બર યૌન શોષણ જેવા મુદ્દા માટે સમિતિ બનાવવા માગતી ન હતી, પરંતુ કર્ણાટક રાજ્ય મહિલા આયોગે પ્રશ્ન કર્યો છે કે, આ મુદ્દે કોઈ પગલાં લેવા કે પછી સમિતિની રચના કરવી કેમ શક્ય નથી? કર્ણાટક મહિલા આયોગે દલીલ કરી હતી કે, કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની જાતીય સતામણીનો મુદ્દો ખૂબ મોટો છે. આ દુષણ ખૂબ જ ઊંડું છે અને તે જાણવા માટે એક ગુપ્ત સર્વે કરવાની પણ તૈયારી કરાઈ રહી છે.
હેમા કમિટી બાદ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આ પગલાં લીધાં
આ સર્વેની તૈયારી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે દેશભરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાઓને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ, મલયાલમ ફિલ્મ ઇન્સ્ટ્રીને લઇને હેમા તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન, કન્નડ ફિલ્મ ઉદ્યોગે પણ આવી જ વિગતવાર તપાસ માટે તૈયારી કરી છે.
આ માટે કર્ણાટક મહિલા આયોગે કન્નડ ફિલ્મ ઉદ્યોગને 15 દિવસનો સમય આપ્યો છે. ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા કન્નડ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી PoSH એટલે કે, પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ (Prevention of Sexual Harassment)ના અમલની તૈયારી કરી છે.
આ નિર્ણય કર્ણાટક મહિલા આયોગના અધ્યક્ષ નાગલક્ષ્મી ચૌધરીની આગેવાનીમાં થયેલી બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ બેઠકમાં KFCCના પ્રમુખ સુરેશ પણ હાજર હતા.
મહિલાઓની સુરક્ષા માટે આ પગલાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ
આ બેઠકમાં નાગલક્ષ્મી ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાર્યસ્થળ પર મહિલાઓ માટે સલામત વાતાવરણ બનાવવા માટે આવી સમિતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ મીટિંગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફોર રાઇટ્સ એન્ડ ઇક્વાલિટી નામની સંસ્થા દ્વારા મોકલવામાં આવેલા મેમોરેન્ડમ પર આધારિત હતી.
ફિલ્મ ડાયરેક્ટર કવિતા લંકેશના નેતૃત્વમાં આ સંગઠને સરકાર પાસે આવી કમિટી બનાવવાની માંગ કરી હતી. જેમાં કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સાથે જોડાયેલા સંબંધિત કેસોની તપાસ નિવૃત્ત જજને સોંપવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદની અભિનેત્રીને આંધ્ર પ્રદેશમાં ખોટા કેસમાં ફસાવાઈ હોવાનો આરોપ, ત્રણ IPS સસ્પેન્ડ