પહલગામ હુમલાથી બોલિવૂડ સિલેબ્સ આઘાતમાં, કરીના-રશ્મિકા સહિત ઘણાએ પીડિતો માટે પ્રાર્થના કરી
Bollywood Reaction on Pahalgam Attack: 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ખતરનાક આતંકી હુમલાએ પુરા દેશને ધ્રુજવી નાખ્યો છે. આ ખતરનાક હુમલામાં 28 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે, તેમજ12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એવામાં આ દુ:ખદ ઘટના પર અક્ષય કુમાર સાથે બીજા ઘણા બોલિવૂડ સિલેબ્સએ દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હુમલાની નિંદા કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.
અક્ષય કુમારે દુઃખ વ્યક્ત કર્યું
અક્ષય કુમારે પહલગામ હુમલા પર દુઃખ વ્યક્ત કરતા X પર પોસ્ટ કર્યું હતું કે, 'પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના સમાચાર સાંભળીને હું ચોંકી ગયો. આ રીતે નિર્દોષ લોકોની હત્યા કરવી એ ઘોર બર્બરતા છે. હું પીડિત પરિવારો માટે પ્રાર્થના કરું છું.'
સંજય દત્તે કરી કડક કાર્યવાહીની અપીલ
પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી વખતે સંજયે લખ્યું - 'તેમણે આપણા લોકોને નિર્દયતાથી મારી નાખ્યા. આ માફ ન કરી શકાય. આ આતંકવાદીઓને જાણવાની જરૂર છે કે આપણે ચૂપ નહીં રહીએ. આપણે આનો યોગ્ય જવાબ આપવો પડશે. હું આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, ગૃહમંત્રી અમિત શાહજી અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહજીને વિનંતી કરું છું કે તેમને આ હુમલા માટે યોગ્ય સજા આપવામાં આવે.'
એક્ટર અલ્લુ અર્જુને વ્યક્ત કર્યું દુ:ખ
સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુને પણ પહલગામ હુમલાને લઈને પોતાનું દુ:ખ વ્યક્ત કરતા લખ્યું- 'પહલગામ હુમલાથી મારું દિલ ટૂટી ગયું છે. આટલી સરસ જગ્યા ત્યાંના આટલા સારા લોકો. તેમના પરિવારો માટે હું પ્રાર્થના કરું છું. પીડિતોના નજીકના અને પ્રિયજનો, બધા પરિવારો પ્રત્યે સંવેદના. તેમના નિર્દોષ આત્માઓને શાંતિ મળે. ખરેખર હૃદયદ્રાવક.'
કરીના કપૂર અને રશ્મિકા મંદાનાએ પીડિતો માટે કરી પ્રાર્થના
કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા લખ્યું- 'પીડિતો અને તેમના પરિવારો માટે મને ખૂબ જ દુઃખ છે. ગુમાવેલા જીવ માટે પ્રાર્થના.'
એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ હુમલાના સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, 'આ મારું દિલ તોડી નાખે છે'.
એક્ટર રામ ચરણે હુમલાની કરી સખત નિંદા
એક્ટર રામ ચરણે X પર પોસ્ટ કર્યું કે, 'પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી હું આઘાતમાં છું અને દુઃખી છું. આવી ઘટનાઓનું આપણા સમાજમાં કોઈ સ્થાન નથી અને તેની સખત નિંદા થવી જોઈએ. મારી પ્રાર્થનાઓ અસરગ્રસ્તોના પરિવારો સાથે છે.'
અનુપમ ખેર રડી પડ્યા
આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા અનુપમ ખેર રડી પડ્યા અને કહ્યું - 'ખોટું, ખોટું, ખોટું! પહલગામ હત્યાકાંડ! આજે શબ્દો શક્તિહીન છે! આ સાથે, તેમણે વીડિયોમાં કહ્યું- આજે પહલગામમાં હિન્દુઓ સાથે થયેલા હત્યાકાંડ, જેમાં 28 હિન્દુઓને વીણી વીણીને માર્યા, તેનાથી દિલ ચોક્કસ દુઃખી થયું, પરંતુ ગુસ્સો અને ક્રોધની પણ કોઈ સીમા નથી.'
પોતાના જૂના અનુભવોને યાદ કરતાં તેમણે કહ્યું કે, 'મેં મારા જીવનમાં આ બધું ઘણું જોયું છે, કાશ્મીરમાં કાશ્મીરી હિન્દુઓ સાથે આવું બનતું હતું અને કાશ્મીર ફાઇલ્સ એ પીડાની એક નાની ઝલક હતી, જેને ઘણા લોકોએ 'પ્રોપેગેંડા' કહીને ફગાવી દીધી હતી. ક્યારેક શબ્દો અધૂરા અને અપૂરતા લાગે છે, જાણે કે તે તમારા હૃદયમાં શું ચાલી રહ્યું છે તે સંપૂર્ણપણે વ્યક્ત કરી શકતા નથી.'
અજય દેવગણ થયો દુઃખી
અજય દેવગણે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા લખ્યું - 'પહલગામમાં થયેલા આતંકી હુમલાના સમાચાર સાંભળીને હું બહુ દુ:ખી છું. જે લોકો આ હુમલાનો ભોગ બન્યા છે તેઓ અને તેમનો પરિવાર બધા નિર્દોષ હતા. જે કઈ પણ થયું છે, તે પૂરી રીતે દિલ તોડી નાખે એવું છે. મારી સંવેદના અને પ્રાર્થના તેમની સાથે છે.'
ધરતી પરનું સ્વર્ગ, કાશ્મીર નર્કમાં ફેરવાઈ રહ્યું છે: સલમાન ખાન
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલા પર સલમાન ખાને કહ્યું કે, 'ધરતી પરનું સ્વર્ગ, કાશ્મીર નર્કમાં ફેરવાઈ રહ્યું છે. નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, મારી સંવેદના તેમના પરિવારો સાથે છે. એક પણ નિર્દોષને મારવો એ કાયનાતને મારવા સમાન છે.'
Words fail to express the sadness and anger at the treachery and inhumane act of violence that has occurred in Pahalgam. In times like these, one can only turn to God and say a prayer for the families that suffered and express my deepest condolences. May we as a Nation, stand…
— Shah Rukh Khan (@iamsrk) April 23, 2025
આ દરમિયાન શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, ‘પહલગામમાં થયેલા અમાનવીય હિંસાના કૃત્ય પ્રત્યે દુ:ખ અને ગુસ્સાને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે, આવા કપરા સમયમાં પીડિત પરિવારો માટે પ્રાર્થના અને સંવેદના વ્યક્ત કરું છું. એક રાષ્ટ્ર તરીકે આપણે એક થઈને મજબૂત બનીએ અને આ ઘૃણાસ્પદ કૃત્ય સામે ન્યાય મેળવીએ.’