કરીના કપૂરે ધીરજ ગુમાવી પાપારાઝીઓથી ભારે નારાજ
- સૈફ અને કરીના પાપારાઝીઓનું ફેવરીટ કપલ
- હવે બંધ થાઓ તો મહેરબાની, અમને એકલા રહેવા દો તેવી પોસ્ટ મૂક્યા બાદ ડિલીટ કરી
મુંબઇ : કરીના કપૂર પાપારાઝી ફોટોગ્રાફર્સથી ભારે નારાજ થઈ ગઈ છે. તેણે 'હવે આ બધું બંધ કરો તો મહેરબાની, અમને એકલાં રહેવા દો' તેવી પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, થોડા સમયમાં જ તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
સૈફ અલી ખાન પર હુમલા બાદ સમગ્ર મીડિયાનું ફોક્સ સૈફ અને કરીનાની ગતિવિધિઓ પર છે. તેવામાં કરીનાના ઘરે નવાં રમકડાં લઈ જવાતાં હોવાનો એક વીડિયો શેર કરાયો હતો. તેની સાથે કેપ્શન હતું કે સૈફ અને કરીનાનાં સંતાનો માટે નવાં રમકડાં આવી ગયાં છે. આ વીડિયો જોયા બાદ કરીના કપૂર ભારે નારાજ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સૈફ અને કરીના પાપારાઝીઓનાં ફેવરિટ કપલ ગણાય છે. તેમનાં એપાર્ટમેન્ટની બહાર સતત પાપારાઝીઓની ભીડ હોય છે. તેમના સંતાનો તૈમુર તથા જેહની એક એક એક્શન કેમેરામાં ઝડપવા માટે પાપારાઝીઓ તત્પર હોય છે. મોટાભાગે સૈફ અને કરીના તેમને સહકાર આપે છે. જોકે, હજુ થોડા સમય પહેલાં જ પાપારાઝીઓ સૈફની પાછળ પાછળ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ઘૂસી જતાં સૈફ તેમના પર 'બેડરુમમાં પણ આવી જાઓ સાથે' તેમ કહીને ભડક્યો હતો.