કરણ કુન્દ્રાએ 12 વર્ષની બાળ કલાકાર સાથે રોમાન્સ ફરમાવતાં હોબાળો
- સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રત્યાઘાત બાદ રીલ ડિલીટ
- નેટ યૂઝર્સે પિડોફિલિક કૃત્ય ગણાવ્યું, બાળ કલાકારને તેના પરિવાર દ્વારા હોર્મોનનાં ઈન્જેક્શન અપાયાના આક્ષેપો
મુંબઈ : ટીવી કલાકાર તથા રિયાલિટી શોથી જાણીતા બનેલા કરણ કુન્દ્રાએ ૧૨ વર્ષની એક બાળ કલાકાર સાથે સોશિયલ મીડિયા માટે બનાવાયેલાં રીલમાં રોમાન્ટિક ભૂમિકા કરતાં ભારે હોબાળો થયો છે. નેટ યૂઝર્સ દ્વારા કરણનાં આ કૃત્યને બાળક સાથે જાતીય અત્યાચાર સમાન ગણાવ્યું છે. ભારે વિરોધ બાદ આ રિલ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરાયું હતું. કેટલીક જાણીતી બોલીવૂડ ફિલ્મોમાં કામ કરનારી ૧૨ વર્ષની બાળ કલાકારનાં સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ રીલ શેર કરાયું હતું. તેમાં આ બાળ કલાકાર એક સાથે બે પુરુષોને ડેટ કરી રહી હોવાનું દર્શાવાયું છે. આ બે પુરુષોમાંથી એક કરણ કુન્દ્રા છે.
આ રીલ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યૂઝર્સ નેટિઝન્સમાં વિરોધનો વાવંટોળ ફેલાયો હતો. લોકોએ બાળ કલાકાર તો કદાચ તેના માતા-પિતા કે અન્યોની દોરવણી હેઠળ કામ કરી રહી છે પરંતુ કરણ કુન્દ્રા જેવા ૩૮ વર્ષીય કલાકારે તો પોતાની વિવેક બુદ્ધિ દાખવવી જોઈએ ને તેવા સવાલો કર્યા હતા.
કેટલાક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ બાળ કલાકારની વય હાલ ૧૨ વર્ષની છે અને તે ઝડપભેર બોલીવૂડમાં હિરોઈન બની શકે તે માટે તેના ઝડપી શારીરિક ગ્રોથ માટે તેને ખાસ હોર્મોન્સનાં ઈન્જેક્શન અપાઈ રહ્યાં છે.