જોલી એલએલબી થ્રીની તારીખો બદલવા કરણ જોહરનું દબાણ
- શંકરન નાયરની બાયોપિકના ફાયદા માટે પેંતરો
- અક્ષયની જ જોલી એલએલબીની રીલિઝ ડેટ અગાઉ જ નક્કી થઈ ગઈ હોવા છતાં દબાણ
મુંબઇ : કરણ જોહરે પોતાના પ્રોડક્શનની સી. શંકરન નાયરની બાયોપિકની રીલિઝ આગામી માર્ચમાં જાહેર કરી છે. હવે તે એપ્રિલમાં રજૂ થનારી 'જોલી એલએલબી થ્રી'ની રીલિઝ ડેટ બદલવા દબાણ કરી રહ્યો છે.
કરણ જોહરની ફિલ્મ અને 'જોલી એલએલબી થ્રી' બંનેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. કરણ જોહરની દલીલ છે કે અક્ષય કુમારની જ બે ફિલ્મો એક મહિના કરતાં ઓછા સમયગાળામાં સાથે આવશે તો બંનેને નુકસાન થઈ શકે છે.
વાસ્તવમાં 'જોલી એલએલબી થ્રી'ના નિર્માતાઓ તો એપ્રિલ ૨૦૨૫ની રીલિઝ ડેટ અગાઉ જ જાહેર કરી ચૂક્યા છે જ્યારે કરણ જોહરે તો હજુ થોડા દિવસો પહેલાં જ પોતાની રીલિઝ નક્કી કરી છે. હવે તેણે અક્ષય કુમારને 'જોલી એલએલબી થ્રી'ના નિર્માતાઓને તારીખ બદલવાનું કહેવા જણાવ્યું છે.