કરણ જોહરે વેઠ ઉતારી, ફિલ્મના પોસ્ટરમાં કાર્તિકનો જૂનો ફોટો વાપર્યો
- નાગઝિલ્લાના પોસ્ટરમાં ઈન્સ્ટા ફોટો ઉઠાવ્યો
- કાર્તિકને ચાહકોનો સલાહ, કારકિર્દીમાં કરણ જોહરના ભરોસે રહેતો નહિ
મુંબઇ : કરણ જોહરની કાર્તિક આર્યનની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ 'નાગઝિલ્લા'નું પોસ્ટર તાજેતરમાં રીલિઝ કરાયું હતું. હવે ચકોર દર્શકોએ પકડી પાડયું છે કે કરણ જોહરે આ પોસ્ટર માટે નવેસરથી ફોટોશૂટ કરાવવાને બદલે ખુદ કાર્તિકની જ એક ઈન્સ્ટા પોસ્ટનો ફોટો વાપરી લીધો છે.
કરણ જોહર જેવા નિર્માતાની ફિલ્મ હોય એટલે તેની પ્રોડક્શન વેલ્યૂ ઊંચી હશે તેવી અપેક્ષા દર્શકો સેવતા હોય છે. પરંતુ, ફિલ્મનું પોસ્ટર બનાવવામાં કરણ જોહરે વેઠ ઉતારી છે તેના કારણે ચાહકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
કેટલાક લોકો આ મુદ્દે કરણ જોહર અને કાર્તિક આર્યનની જૂની દુશ્મનીને પણ યાદ કરી રહ્યા છે. તેમણે કાર્તિક આર્યનને એવી સલાહ આપવા માંડી છે કે તેણે કારકિર્દીમાં કરણ જોહરને ભરોસે રહેવા જેવું નથી.