કરણ જોહરે ધર્મા પ્રોડક્શનમાં 50 ટકા હિસ્સો અદાર પૂનાવાલાને વેચી દીધો
- વેક્સિન બનાવનારા પૂનાવાલા હવે ફિલ્મો બનાવશે
- કંપનીનો નફો ઘટી રહ્યો હોવાથી કરણ લાંબા સમયથી કોઈ રોકાણકાર શોધતો હતો : 1000 કરોડમાં હિસ્સો વેચ્યો
મુંબઈ : સતત ઘટી રહેલા નફાના કારણે કરણ જોહર કેટલાય સમયથી પોતાની ધર્મા પ્રોડક્શન માટે કોઈ રોકાણકાર શોધી રહ્યો હતો. આખરે તેણે અદાર પૂનાવાલાને ૧૦૦૦ કરોડમાં ૫૦ ટકા હિસ્સો વેચી દીધો છે. સીરમ ઇન્સ્ટિટયૂટના માલિક તરીકે કોવિડ સહિતની વેક્સીન્સ બનાવનારા અદાર પૂનાવાલા હવે કરણ સાથે મળીને ફિલ્મો પણ બનાવશે.
કરણ જોહર તથા પૂનાવાલાની કંપની સેરેન પ્રોડક્શને ધર્મા પ્રોડક્શન તથા તેની ડિજિટલ કન્ટેન્ટ મેકિંગ કંપની ધર્મેટિક એન્ટરટેઈનમેન્ટના હિસ્સામાં ભાગીદારની સત્તાવાર જાહેરાત આજે કરી હતી.
આ સોદાના ભાગરુપે ધર્મા પ્રોડક્શન્સ તથા ધર્મેટિક એન્ટરટેઈનમેન્ટની વેલ્યૂ ૨૦૦૦ કરોડ રુપિયા અંદાજવામાં આવી છે. કરણ જોહર કેટલાય સમયથી કોઈ મોટા રોકાણકારની શોધમાં હતો.
એકવાર ગોયન્કા ગૂ્રપની કંપની સારેગામા સાથે તેની વાતચીત નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ હતી પરંતુ કોઈ કારણોસર આ સોદો અટકી ગયો હતો. બાદમાં રિલાયન્સ જૂથ ધર્મા પ્રોડક્શન કંપની ખરીદી રહ્યું હોવાની વાતો પણ ચગી હતી.
કરણ જોહરના પિતા યશ જોહરે ૧૯૭૬માં આ પ્રોડક્શન કંપની સ્થાપી હતી. આ કંપનીના નેજા હેઠળ અત્યાર સુધીમાં ૫૦ ફિલ્મો બનાવવામાં આવી છે. તેમાં શાહરુખ, કાજોલની 'કુછ કુછ હોતા હૈ' તથા રણબીર દીપિકાની 'યહ જવાની હૈ દિવાની' સહિતની ફિલ્મો સામેલ છે.
જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ કંપનીનો ચોખ્ખો નફી ઘટી રહ્યો હતો. ગયાં વર્ષે ૧૦૪૦ કરોડની કુલ આવક સામે કંપનીનો નફો માત્ર ૧૧ કરોડ રહ્યો હતો.