ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફી મુદ્દે મહાભારત, સ્ટાર્સ સામે નિર્માતાઓએ બાંયો ચઢાવી, કોણ કેટલાં લે છે રૂપિયા?
Stars Rising Fees Burdening on Makers: હાલ બોલિવૂડમાં 'સફળ સ્ટાર્સની તોતિંગ ફી'નો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડની ઘણી હસ્તીઓએ દાવો કર્યો છે કે ફિલ્મો બનાવવા માટે હવે ઘણા પૈસા ખર્ચવા પડે છે અને આ ખર્ચો ફિલ્મ પર નહીં પરંતુ સ્ટાર્સ સાથે આવનારી ટીમ પર થાય છે.
ઘણી જાણીતી ફિલ્મ હસ્તીઓએ દાવો કર્યો છે કે આજકાલ ફિલ્મ સ્ટાર્સ તેમની સાથે મોટી ટીમ લઈને જાય છે, જેનો ખર્ચ ફિલ્મ નિર્માતાઓના ખિસ્સામાંથી ચૂકવવામાં આવે છે. જે પૈસા ફિલ્મની સારી ગુણવત્તા પર ખર્ચવા જોઈએ તે હવે સ્ટાર્સની ટીમ પર ખર્ચવામાં આવે છે. જેની સામે હવે ઈન્ડસ્ટ્રીમાં અવાજ ઉઠવા લાગ્યો છે. જોઈએ આ બાબતે ફિલ્મ નિર્માતાઓનું શું કહેવું છે..
ફરાહ ખાન : કલાકાર તેની સાથે જે ટીમ લાવે છે તેનો ખર્ચ નિર્માતા પર ભારે પડે છે
કોરિયોગ્રાફર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ફરાહ ખાન બોલિવૂડની જાણીતી હસ્તી છે. તેમજ ફિલ્મ 'મેં હું ના' થી તેણે ફિલ્મ નિર્દેશનમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મો બનાવી. ફરાહ ખાન આ બાબતે કહે છે કે, હું ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવવા માંગુ છું કારણ કે સ્ટાર્સ અને તેમની ટીમનો ખર્ચ ઘણો વધી ગયો છે. એક અભિનેત્રીની સાથે નવ લોકોની ટીમ આવે છે. જયારે એક અભિનેતા પણ તેની સાથે આઠ લોકોની ટીમ લાવે છે. આ પૈસાનો બગાડ છે. આ પૈસા ફિલ્મમાં ક્યાંય વપરાયા નથી. તેના પર થોડું નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. જે નિર્માતાઓ પર ભારે પડે છે.'
અનુરાગ કશ્યપઃ બોલિવૂડમાં ઘણો ફાલતુ ખર્ચો થાય છે
હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મો તેની એક અલગ શૈલીના કારણે જાણીતી છે. આ બાબત પર તેમનું કહેવું છે કે, 'બોલિવૂડમાં ઘણો ફાલતુ ખર્ચો થાય છે. ફિલ્મો મોંઘી થઈ ગઈ છે કારણ કે સ્ટાર્સની માંગ ધણી વધી ગઈ છે. લોકોએ એક વાત સમજવાની જરૂર છે કે જ્યારે આપણે ફિલ્મ બનાવીએ છીએ, ત્યારે તેમાં કંઈક આપી રહ્યા છીએ. આ કોઈ પિકનિક નથી. ફિલ્મ બનાવવા પાછળ બહુ પૈસા નથી ખર્ચાતા, પરંતુ તે નકામા કામો પાછળ ખર્ચાય છે. તમે જંગલની મધ્યમાં શુટિંગ કરી રહ્યા છો તેથી ત્રણ કલાક દૂરના શહેરમાં એક કાર ખાસ મોકલવામાં આવશે, જેથી સ્ટાર્સ તેમને જોઈતું ફાઈવ સ્ટાર બર્ગર મેળવી શકે છે.'
કરણ જોહર : મોટી ફી લેનાર સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરતી નથી
કરણ જોહર ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ નિર્માતાઓમાંથી એક છે હાલમાં જ કરણે પણ સ્વીકાર્યું હતું કે, 'આજના સમયમાં ફિલ્મ પ્રોડક્શન ઘણું મોંઘું થઈ ગયું છે. સ્ટાર આધારિત ટીમોનો ખર્ચ પણ આનું એક મહત્વપૂર્ણ કારણ છે. જોકે, તે આ માટે સ્ટાર્સની ફીને સૌથી મોટું કારણ માને છે. તેણે કહ્યું કે, ઘણા એવા સ્ટાર્સ છે જેઓ તેમની ફિલ્મો માટે કરોડો રૂપિયાની માંગણી કરે છે, પરંતુ તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ જ ઓછી કમાણી કરે છે.
ક્રિતિ સેનનઃ સેટ પરના ખર્ચ પર ધ્યાન આપવું તમામ કલાકારોની જવાબદારી છે
ક્રિતિ સેનન હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. હાલ તે તેની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાં છે. તેણે સ્ટાર ટીમના બિનજરૂરી ખર્ચને કારણે ફિલ્મ પ્રોડક્શન વધુને વધુ મોંઘું થઈ રહ્યું હોવાની વાત પણ કરી હતી. ફિલ્મના વિષયવસ્તુના મહત્વ વિશે વાત કરતા ક્રિતિએ કહ્યું કે, ફિલ્મ નિર્માણ દરમિયાન કેટલાક ક્ષેત્ર એવા હોય છે જ્યાં ઘણો બિનજરૂરી ખર્ચ કરવામાં આવે છે. જોકે, અંતે તે ફિલ્મનું કન્ટેન્ટ જ છે જે સૌથી વધુ મહત્વનું છે. જો તમે કન્ટેન્ટ જેવી મુખ્ય બાબત પર ધ્યાન નથી આપતા તો મને નથી લાગતું કે અન્ય બાબતો મહત્વપૂર્ણ છે. સેટ પરના ખર્ચ પર ધ્યાન આપવું તમામ કલાકારોની જવાબદારી છે.
સ્ટાર્સની ફી ચૂકવવામાં નિર્માતાઓના ખિસ્સા ખાલી થઈ જાય છે
બોલિવૂડ સ્ટાર્સ તેમની ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી લે છે. તેમની ફી ચૂકવવામાં નિર્માતાઓના ખિસ્સા ખાલી થઈ જાય છે. બોલિવૂડની જેમ સાઉથના સ્ટાર્સનો પાવર પણ ઓછો નથી. આ સ્ટાર્સ તેમની એક ફિલ્મ માટે કરોડો રૂપિયા પણ લે છે. લોકોમાં સાઉથની ફિલ્મોનો ક્રેઝ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ સ્થિતિમાં સ્ટાર્સની ફી પણ સતત વધી રહી છે.
રજનીકાંતઃ એક ફિલ્મ માટે 150 કરોડ રૂપિયા લે છે
દક્ષિણના દિગ્ગજ અભિનેતા રજનીકાંતનું નામ આ યાદીમાં પહેલું છે. રજનીકાંતને દક્ષિણમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. સાઉથની સાથે હિન્દી બેલ્ટમાં પણ તેમના લાખો ચાહકો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતા તેમની એક ફિલ્મ માટે લગભગ 150 કરોડ ચાર્જ કરે છે.
કમલ હાસનઃ એક ફિલ્મ માટે 100 થી 150 કરોડ ચાર્જ કરે છે
બીજા નંબરે સાઉથના સુપરસ્ટાર કમલ હાસનનું નામ આવે છે. સાઉથની સાથે સાથે હિન્દીમાં પણ કમલ હાસનની જોરદાર ફેનફોલોઈગ છે. તેઓ પોતાની એક ફિલ્મ માટે 100 થી 150 કરોડ ચાર્જ કરે છે.
વિજય થલપતિ: 130 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે
સાઉથના દિગ્ગજ સ્ટાર્સમા વિજય થલપતિનું નામ ત્રીજા નંબર પર છે. વિજયની ફિલ્મો દર્શકોને ખૂબ પસંદ આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતા એક ફિલ્મ માટે લગભગ 130 કરોડની આસપાસ ચાર્જ કરે છે.
આ પણ વાંચો: જાણીતી અભિનેત્રી માટે મોંઘા ગિફ્ટ્સ આફત બની ગયા, ઈડીએ ફરી એકવાર મોકલ્યું સમન્સ
અલ્લુ અર્જુનઃ 100 થી 125 કરોડ રૂપિયા ફી લે છે
આ યાદીમાં ચોથા નંબર પર અભિનેતા અલ્લુ અર્જુનનું નામ આવે છે. અભિનેતા ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેમની એક ફિલ્મનો ચાર્જ 100 થી 125 કરોડ રૂપિયા છે.
પ્રભાસઃ 100 કરોડ રૂપિયા ફી લે છે
છેલ્લા થોડા વર્ષોમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસે સારી નામના મેળવી છે. આ દિવસોમાં અભિનેતા કલ્કી ૨૮૯૮ એડીને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રભાસ એક ફિલ્મ માટે લગભગ 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
બોલિવૂડ સ્ટાર્સ એક ફિલ્મ માટે 150 થી 250 કરોડ ચાર્જ કરે છે
એક ફિલ્મમાં સ્ટાર્સ દ્વારા કરાતા ચાર્જ વિશે વાત કરીએ તો દક્ષિણ ભારતના સ્ટાર્સ તોતિંગ ફી લે છે જ્યારે બોલિવૂડમાં શાહરૂખ ખાન 150 કરોડથી 250 કરોડ, આમિર ખાન 100 કરોડથી 275 કરોડ, સલમાન ખાન 100 કરોડથી 150 કરોડ, અક્ષય કુમાર 60 કરોડથી 145 કરોડ સુધી ચાર્જ કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાન જ એક માત્ર સ્ટાર છે જેની નેટવર્થ ₹700 કરોડ અંદાજિત આંકવામાં આવે છે. બીજા નંબર સલમાન ખાન છે જેની નેટવર્થ અંદાજિત ₹2900 કરોડ આંકવામાં આવે છે જ્યારે ત્રીજા સ્થાને અક્ષય કુમાર છે જેની નેટવર્થ ₹2500કરોડ આંકવામાં આવે છે.