કરણ જોહરે બેડ ન્યૂઝમાં પણ ડુપ્લીકેટનું હિટ ગીત ઉઠાવી લીધું
- રિક્રિએટ કરવાના નામે ક્રિએટેવિટીનું દેવાળું
- મૂળ શાહરુખ અને જુહી-સોનાલીનાં ગીત મેરે મહેબૂબ મેરે સનમનો વિકી-તૃપ્તિની ફિલ્મમાં ઉપયોગ
મુંબઈ: કરણ જોહર જુની ફિલ્મોના સુપરહિટ ગીતોને ઉઠાવી, રિક્રિએટ કરવાના નામે ફરી ફિલ્મમાં વાપરવા માટે બદનામ છે. હવે તેણે 'બેડ ન્યૂઝ' ફિલ્મમાં ૯૦ના દાયકાની પોતાના જ પ્રોડક્શનની ફિલ્મ 'ડુપ્લીકેટ'નાં ગીત 'મેરે મહેબૂબ મેરે સનમ શુક્રિય મહેરબાની કરમ'ની ઉઠાંતરી કરી છે. રિક્રિએટ કરાયેલું ગીત વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી પર પિક્ચરાઈઝ થયું છે.
'ડુપ્લીકેટ'માં આ ગીત શાહરુખ ખાન અને જુહી ચાવલા તથા સોનાલી બેન્દ્રે પર ફિલ્માવાયું હતું અને ત્યારે તે બહુ લોકપ્રિય બન્યું હતું. આ ફિલ્મ કરણ જોહરની કંપની ધર્મા પ્રોડકશન દ્વારા જ બનાવાઈ હતી જ્યારે તેનું દિગ્દર્શન મહેશ ભટ્ટે કર્યું હતું.
મૂળ ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિાકે ગાયું છે. હવે કરણ જોહરે તેને લિજો જ્યોર્જ અને ડીજે ચેતસ પાસે આ ગીત રિક્રિએટ કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સિંગર અલકા યાજ્ઞિાક અગાઉ જ જૂનાં હિટ ગીતોને રિક્રિએટ કરવાના નામે વાપરી લેવા સામે વિરોધ વ્યક્ત કરી ચૂકી છે.
કરણ જોહરે થોડા સમય પહેલાં જ રણવીર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં સુનિલ દત્ત અને સાધનાની ફિલ્મ 'મેરા સાયા'નાં મશહુર ગીત ' ઝુમખા ગીરા રે બરેલી કે બજાર મેં'નો બેઠો ઉપયોગ કર્યો હતો.
કરણ જોહર જૂનાં ગીતોની ચોરીને રિક્રિએશનનું રુપાળું નામ આપે છે પરંતુ વાસ્તવમાં આ ક્રિએટિવિટીનું દેવાળું છે તેવો આક્રોશ સિને લવર્સ વ્યક્ત કરી રહ્યા છે. 'બેડ ન્યૂઝ'નાં નવાં ગીતને સોશિયલ મીડિયા પર રજૂ કર્યું તેમાં પણ મોટાભાગના ચાહકો આ જ વાત દોહરાવી રહ્યા છે કે ઓરિજિનલ હિટ ગીતો સાથે આવાં ચેડાં ન થવાં જોઈએ.