કંગનાની ઈમરજન્સી હવે આગામી 17 જાન્યુ.એ રીલિઝ કરાશે
- ચૂંટણી અને કાનૂની વિવાદોમાં અટવાઈ હતી
- એક વર્ષથી તૈયાર પડેલી ફિલ્મ માટે વધુ એક રીલિઝ ડેટની જાહેરાત
મુંબઇ : ચૂંટણી તથા કાનૂની વિવાદો વચ્ચે અટવાઈ પડેલી કંગના રણૌતની ફિલ્મ 'ઈમરજન્સી' હવે આગામી ૧૭ જાન્યુઆરીએ રીલિઝ કરાશે.
ઈન્દિરા ગાંધીના શાસન કાળમાં લદાયેલી ઈમરજન્સી વિશેની આ ફિલ્મમાં કંગના ખુદ ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં છે. તે પોતે જ ફિલ્મની પ્રોડયૂસર અને દિગ્દર્શક પણ છે.
આ ફિલ્મ એક વર્ષથી તૈયાર પડી છે. તે ચાલુ વર્ષે માર્ચમાં રીલિઝ થવાની હતી. પરંતુ, કંગનાએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવતાં ફિલ્મ અટકી પડી હતી.
બાદમાં શીખ સમુદાયનાં ખોટી રીતે ચિત્રણનો વિવાદ શરુ થતાં ફિલ્મ પર પ્રતિબંધની માગણી થઈ હતી. સેન્સર બોર્ડે આ ફિલ્મનું સર્ટિફિકેટ અટકાવી દીધું હતું. તેના કારણે આ ફિલ્મ તા. પાંચમી સપ્ટેમ્બરની અગાઉ જાહેર કરાયેલી તારીખે પણ રીલિઝ થઈ શકી ન હતી.
આખરે ફિલ્મનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. બોમ્બે હાઈકોર્ટમાં સેન્સર બોર્ડે પોતે સૂચવેલા કટ્સ માન્ય રખાય તો ફિલ્મને રીલિઝની મંજૂરી આપવાની સંમતિ આપી હતી.
સેન્સર બોર્ડે ફિલ્મની ફરીથી સમીક્ષા કરી હતી અને ફિલ્મમાં ૧૩ કટ સહિત કેટલાક ફેરફારો સૂચવ્યા હતા. કંગનાએ તે માન્ય રાખ્યા બાદ ફિલ્મને યૂ-એ સર્ટિફિકેટ આપવામા ં આવ્યું હતું.