છ મહિનાથી અટવાતી કંગનાની ઈમરજન્સી ફરી ટળી ગઈ
- હવે આગામી જૂનમાં પણ રીલિઝ નહિ થાય
- મૂળ ગયાં વર્ષે નવેમ્બરમાં રીલિઝ કરવાનું પ્લાનિંગ હતું, આ વખતે ચૂંટણીનું બહાનું
મુંબઇ : કંગના રણૌતની ફિલ્મ 'ઈમરજન્સી'ની રીલિઝ ડેટ ફરી એકવાર ઠેલાઈ ગઈ છે. આ ફિલ્મ આગામી જૂનમાં રીલિઝ નહીં થાય. જોકે, ફિલ્મની હાલ કોઈ નવી રીલિઝ ડેટ જાહેર કરાઈ નથી.
કંગનાની કંપની મણિ કર્ણિકા પ્રોડક્શન દ્વારા ફિલ્મની રીલિઝ મુલત્વી રાખવામાં આવી હોવાનું જાહેર કરાયું હતું. તેમાં જણાવાયું હતું કે હાલ કંગના ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી ફિલ્મની રીલિઝ મુલત્વી કરાઈ છે. બહુ વહેલી તકે નવી તારીખની ઘોષણા થશે.
વાસ્તવમાં આ ફિલ્મ છ મહિનાથી સતત ઠેલાતી રહી છે. તેની મૂળ રીલિઝ ડેટ ગયાં વર્ષની ૨૩મી નવેમ્બર હતી. તે પછી જાન્યુઆરી અને માર્ચની તારીખોની પણ ચર્ચા હતી. આખરે કંગનાએ ૧૪મી જૂનની તારીખ જાહેર કરી હતી. વાસ્તવમાં છેલ્લાં આઠ વર્ષથી કંગનાની તમામ ફિલ્મો ફલોપ ગઈ હોવાથી કોઈ ડિસ્ટ્રીબ્યૂટર તેની ફિલ્મ ખરીદવા તૈયાર નથી. પરંતુ, આ વખતે કંગનાએ ચૂંટણીનું બહાનું કાઢ્યું છે.
આ ફિલ્મ દેશમાં ૧૯૭૫મા ંલદાયેલી કટોકટી સંબંધિત ઘટનાઓ આધારિત છે. કંગના ફિલ્મમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે.