ઈમરજન્સી માટે કંગનાને એવોર્ડ મળશે, પણ ફિલ્મ ફલોપ જશે
- ટ્રેલર રીલીઝ થતાં અનેક કોમેન્ટસ
- ઈન્દિરાની આક્રમક શૈલી સાથે કંગનાનો સોફ્ટ ટોન મેળ ખાતો નથી તેવા પણ પ્રત્યાઘાત
મુંબઇ : સેન્સર બોર્ડની મંજૂરીમાં વિઘ્ન અને કાનૂની લડાઈમાં અટવાયા બાદ આખરે એક વર્ષ મોડી રીલિઝ થઈ રહેલી કંગના રણૌતની ફિલ્મ 'ઈમરજન્સી'નું બીજું ટ્રેલર આજે રીલિઝ થયું હતું. તે સાથે તેના પર જાતભાતની કોમેન્ટસ શરુ થઈ છે.
કેટલાક લોકોએ લખ્યુ છે કે આ ફિલ્મ કંગનાને વધુ એક નેશનલ એવોર્ડ અપાવશે. જોકે, કેટલાકે ટીખળ કરી છે કે કંગનાની ફલોપ ફિલ્મોની યાદીમાં વધુ એકનો ઉમેરો થવા જઈ રહ્યો છે.
કેટલાકે લખ્યું છે કે ઈન્દિરાના આક્રમક અંદાજ સામે કંગનાનો સોફ્ટ ટોન જરાય મેળ ખાતો નથી. સંખ્યાબંધ લોકોએ આ ફિલ્મને પ્રોપેગેન્ડા ફિલ્મ પણ ગણાવી છે. આ ફિલ્મ તા. ૧૭મી જાન્યુઆરીએ રીલિઝ થવાની છે. ફિલ્મ મૂળ ગત માર્ચમાં રીલિઝ થવાની હતી. પરંતુ, કંગનાએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવતાં અને ત્યારબાદ કાનૂની વિવાદોને કારણે તેની રીલિઝ ઠેલાતી રહી હતી. આખરે સેન્સર બોર્ડે સૂચવેલા તમામ ક્ટસ માન્ય રાખવાની ખાતરી કંગનાએ મુંબઈ હાઈકોર્ટમાં આપ્યા બાદ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કંગનાની મર્ણિકર્ણિકા પછી ૯ ફિલ્મો ફ્લોપ રહી છે.તેથી અભિનેત્રીની આ ફિલ્મ વિશે પણ લોકો શંકા-કુશંકા કરી રહ્યા છે.જોકે ઘણાએ કંગના પાસેથી સફળતાની અપેક્ષા પણ રાખી છે.