6 તારીખે પણ રીલિઝ નહીં થાય કંગનાની ફિલ્મ, 19 સપ્ટેમ્બરે લેવાશે 'ઈમરજન્સી' પર નિર્ણય
Emergency Release Date Postponed: ફિલ્મ 'ઈમરજન્સી' ને સેન્સર સર્ટિફિકેટ ન મળવાને લઈને મેકર્સ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા હતાં. હવે કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને આદેશ આપ્યો છે કે, 18 સપ્ટેમ્બર સુધી 'ઈમરજન્સી' ના સર્ટિફિકેટ પર નિર્ણય લેવામાં આવે.
કંગના રણૌતની ફિલ્મ 'ઈમરજન્સી' ને લઈને ચાલી રહેલા વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. 6 સપ્ટેમ્બરે રીલિઝ માટે તૈયાર 'ઈમરજન્સી' સેન્સર બોર્ડમાં અટવાઈ છે. હજુ સુધી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી. જેના કારણે ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી ફિલ્મ રીલિઝ થઈ શકશે નહીં.
'ઈમરજન્સી' ને સેન્સર સર્ટિફિકેટ ન મળવાના કારણે મેકર્સ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા હતાં. હવે કોર્ટે CBFC ને આદેશ કર્યો છે કે, તે 18 સપ્ટેમ્બર સુધી 'ઈમરજન્સી' ના સર્ટિફિકેટ પર નિર્ણય લઈ લે. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે કોર્ટ આગળની સુનવણી કરશે.
આ પણ વાંચોઃ કંગનાની ઈમર્જન્સીને મોદી સરકાર કેમ રીલીઝ થવા દેતી નથી ?
CBFC પર લગાવ્યા આરોપ
'ઈમરજન્સી' ના મેકર્સ ઝી સ્ટૂડિયોઝ ફિલ્મને સર્ટિફિકેટ ન મળતા મંગળવારે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા હતાં. મેકર્સે કોર્ટ પાસે માંગણી કરી કે, તે CBSC ને સેન્સર સર્ટિફિકેટ રજૂ કરવાનો નિર્દેશ કરે. જેથી ફિલ્મ નક્કી કરેલી રીલિઝ ડેટ 6 સપ્ટેમ્બરે સિનેમા ઘરોમાં જોવા મળી શકે. મેકર્સે અરજીમાં CBFC પર આરોપ લગાવતા કહ્યું કે, તેઓએ મનમાની રીતે સર્ટિફિકેટને રોકી દીધું છે.
મેકર્સે કોર્ટમાં કહ્યું કે, 8 ઓગસ્ટે CBFC એ 'ઈમરજન્સી' ના પ્રોડ્યુસર (ઝી સ્ટુડિયોઝ) અને કો પ્રોડ્યુસર (મણિકર્ણિકા ફિલ્મ્સ) ને ફિલ્મમાં બદલાવ કરવા માટે કહ્યું હતું. આ બદલાવો બાદ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનું હતું.
14 ઓગસ્ટે મેકર્સ CBFC ને મળ્યા અને નિર્દેશ અનુસાર, કટ્સ અને બદલાવો સાથે ફિલ્મ સબમિટ કરી. આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ 29 ઓગસ્ટે પ્રોડ્યુસર્સને CBFC તરફથી ઈમેલ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મની સીડી સીલ (ફાઈનલ) કરવામાં આવી છે અને મેકર્સને સેન્સર સર્ટિફિકેટ કલેક્ટ કરી લે.
આ પણ વાંચોઃ ટી સીરિઝ 'આશિકી' ઉલ્લેખ ધરાવતી કોઈ ફિલ્મ નહિ બનાવી શકે
ત્યારબાદ મેકર્સને બીજો ઈમેલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું કે, સર્ટિફિકેટ સફળતાપૂર્વક રજૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં સર્ટિફિકેટ નંબર પણ હતો. ત્યારબાદ જ્યારે મેકર્સ એક્ચુઅલ સર્ટિફિકેટ લેવા પહોંચ્યા તો સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી. મેકર્સે કોર્ટમાં કહ્યું કે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે, શીખ સંપ્રદાયના અમુક સંગઠનોને 'ઈમરજન્સી' ના ટ્રેલર સામે વાંધો હતો અને તેઓ ફિલ્મની રીલિઝનો વિરોધ કરી રહ્યાં હતાં.
ઈમરજન્સીના મેકર્સે 2 સપ્ટેમ્બર, 2024 ના દિવસે CBFC ને સર્ટિફિકેટ મુદ્દે કાયદાકીય નોટિસ મોકલી હતી, જેનો કોઈ જવાબ આપવામાં ન આવ્યો. તેથી, હવે કોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી છે. ઝી સ્ટૂડિયોઝ તરફથી એડવોકેટ વેંકટેશ ઢોંડ એ કોર્ટમાં કહ્યું- CBSC પાસે રજૂ થઈ ગયેલાં સર્ટિફિકેટને રોકવાનું કોઈ કારણ નથી. જો કોઈને આ ફિલ્મથી વાંધો હોય તો તેના માટે કાયદાકીય વ્યવસ્થા છે.
CBFC તરફથી એડવોકેટ અભિનવ ચંદ્રચુડે કોર્ટને જણાવ્યું કે, જબલપુર શીખ સંપ્રદાયે 3 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં 'ઈમરજન્સી' ની રીલિઝનો વિરોધ કરતી અરજી કરી છે. જેની સુનવણીમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટે અરજીકર્તાને 3 દિવસની અંદર CBSC સમક્ષ પોતાના વાંધાની રજૂઆત કરવાનું કહેવામાં આવ્યું હતું.
ચંદ્રચુડે કહ્યું કે, મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આ રજૂઆતના આધારે CBFC ને આ રજૂઆતના આધારે યોગ્ય પગલાં લેવાનું કહ્યું હતું. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે CBFC ને નિર્દેશ કર્યો છે કે, બોબ્મે હાઈકોર્ટ તેને સર્ટિફિકેટ રજૂ કરવાનો નિર્દેશ નથી આપી શકતી. કારણકે, તે હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે.