ફિલ્મ રિવ્યૂઃ 'કલ્કી' – મેગા બજેટમાં બનેલી ફિલ્મ મેગા મનોરંજક પણ છે ખરી?
Kalki 2898 AD Movie Review:કલ્કી-ભગવાન વિષ્ણુનો દસમો અવતાર, જે માનવજાતના ઉદ્ધાર માટે દૂરના ભવિષ્યમાં ક્યાંક જન્મ લેશે, એવી પુરાણકથા છે. એ પુરાણકથાનું કથાબીજ લઈને બની છે 'કલ્કી 2898 એડી'.
નિર્દેશક નાગ અશ્વિનની આ 'કલ્કી-કથા' આકાર લે છે સાલ 2898માં જ્યારે ધરતી રસાતળ થઈ ચૂકી છે, ગંગા સૂકાઈ ચૂકી છે, માનવજાત લગભગ નષ્ટ થઈ ચૂકી છે. અમુક હજારો કે લાખોની સંખ્યામાં બચેલા બધા માણસો માનવ-ઈતિહાસની પહેલી અને હવે આખરી પણ એવી 'કાશી' નગરીમાં વસે છે. એમાંય સમાનતા નથી. ગરીબો ધૂળમાં સબડે છે અને અમીરો હવામાં જલસા કરે છે.
નવા કોન્સેપ્ટ બધી ફિલ્મોમાંથી કંઇક ને કંઇક ઉઠાવ્યું છે
ભારતીય ફિલ્મોના સંદર્ભે જોઈએ તો કન્સેપ્ટ નવો લાગે પણ વૈશ્વિક લેવલે આ પ્રકારની અનેક 'પોસ્ટ એકોપોલિપ્ટિક' (પ્રલય પછીની) ફિલ્મો બની ચૂકી છે. મહાભારતનો સંદર્ભ લઈને કથાતંતુ વણાયો એ ગમે એવો છે, પણ વિષય-પ્રસ્તુતિ, ફિલ્માંકન, પાત્રસૃષ્ટિ, વીએફએક્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એક્શન કોરિઓગ્રાફી બધામાં જ નકલ કરવામાં આવી છે. કશું જ ઓરિજનલ નથી. 'સ્ટાર વોર્સ', 'ડ્યુન', 'મેડ મેક્સ', 'મોર્ટલ એન્જિન્સ', 'ગાર્ડિઅન્સ ઓફ ધ ગેલેક્સી', 'ટ્રાન્સ્ફોર્મર્સ' અને 'બાહુબલી' ફિલ્મમાંથી જ કંઇક ને કંઇક ઉઠાવીને આ ત્રણ કલાક લાંબી ફિલ્મ ઘડી કાઢવામાં આવી છે.
ફર્સ્ટ હાફ
ઇન્ટરવલ પહેલાં ફિલ્મમાં તોબા પોકારાવી દે એવા દૃશ્યોની ભરમાર છે. ત્રણ મુખ્ય કલાકારો હોય જ નહીં એવા સીન્સ પણ સહાયક કલાકારોના દમ પણ લાંબા-લાંબા ખેંચ્યે રાખ્યા છે! કંટાળી જવાય એવો ફર્સ્ટ હાફ બિનજરૂરી કેમિઓથી ભર્યો પડ્યો છે. દુલકર સલમાન અને મૃણાલ ઠાકુર જેવા મહેમાન કલાકારો તો ઠીક કે વાર્તામાં વણાઈ ગયા છે, પણ રામગોપાલ વર્માવાળા સીનની તો કોઈ જરૂર જ નહોતી.
એસ.એસ.રાજામૌલી (બાહુબલીના ડાયરેક્ટર) ને બદલે એ રોલમાં કોઈ ભળતો એક્ટર હોત તોય કોઈ ફરક નહોતો પડવાનો. દિશા પટણીવાળો આખો ટ્રેક જ બકવાસ અને બિનજરૂરી છે. ઇન્ટરવલ પહેલાનો ભાગ કાપીકૂપીને આરામથી અડધો કલાક ટૂંકો કરાઈ શકાયો હોત.
એક્શન સીન અને વીએફએક્સ સૌથી મજેદાર
ઇન્ટરવલ પછી ફિલ્મ થોડી જામે છે, કેમ કે શરૂ થાય છે મારધાડ. બચ્ચનબાબુ અને પ્રભાસ વચ્ચેનું એક્શન સીન સૌથી મજેદાર છે. વીએફએક્સ આખી ફિલ્મમાં સારા છે. સિનેમેટોગ્રાફી, બીજીએમ, સેટ ડિઝાઇનિંગ, કોસ્ચ્યુમ્સ જેવા બાકીના ટેકનીકલ પાસા પણ જોવા-સાંભળવા ગમે એવા છે. ફિલ્મમાં બે જ ગીતો છે પણ બંને બકવાસ છે.
હિન્દી ડબિંગના ભયંકર ડાયલોગ્સ
ડાયલોગ્સ ભયંકર છે. હિન્દી ડબિંગ સારું પણ લિખાવટ સારી હોય તો જામે-ને! પ્રભાસ અને એના ટેક-આસિસ્ટન્ટ વચ્ચેની જીભાજોડી હસાવવાની કોશિશ તો બહુ કરે છે, પણ સમ ખાવા પૂરતો એકેય પંચ ફૂટતો નથી. બ્રહ્માનંદ જેવા બ્રહ્માનંદ પણ દર્શકના હોઠ પર નાનકડો મલકાટ લાવી શક્તા નથી એટલા નબળા ડાયલોગ્સ છે.
પ્રભાસનું સામાન્ય પરફોર્મન્સ
સામાન્ય અભિનય પ્રતિભા ધરાવતો પ્રભાસ અહીં પણ સામાન્ય જ છે. દીપિકા આખી ફિલ્મમાં દુ:ખી-અબળા નારી બનીને ફર્યા કરે છે. એકદમ એવરેજ અભિનય છે. શોભના અને સાસ્વત ચેટર્જી ઠીકઠાક છે. બે જ સીનમાં આવતા હોવા છતાં કમલ હસન પ્રભાવિત કરે છે. આઠ ફીટ ઊંચા અશ્વત્થામાના રોલમાં અમિતાભ બચ્ચને કમાલ કરી છે. એમની પડછંડ કાયા, એમની વેશભૂષા, એમનો ઘેઘૂર અવાજ… બધું જ સુપરલેટિવ છે. ફિલ્મનો સેકન્ડ હાફ જો સહન કરી શકાય એવો બન્યો હોય તો એ એક્શન અને બચ્ચન સરને કારણે જ બન્યો છે.
કોઈ સીન દર્શકોને સ્પર્શી શકે તેવો નહી
ખાટલે મોટી ખોડ એ છે કે 'કલ્કી'માં દર્શકોને કશું જ સ્પર્શતું નથી. બધું એક્શન, સેટ્સ, તામઝામ અગાઉ ક્યાંક ને ક્યાંક જોયેલું-જાણેલું લાગે છે. પાત્રો આવે છે, લડે છે ને મરી જાય છે. પણ કોઈની મોત પર દર્શકને અફસોસ થતો નથી. વાર્તાના કેન્દ્રસ્થાને દીપિકાનું પાત્ર છે, પણ એનું દુ:ખ દર્શક ફીલ કરતો જ નથી. એટલા કમજોર પાત્ર-સર્જન! જ્યારે કનેક્શન જ ન બને ત્યારે ફિલ્મ અને એના પાત્રો હૃદયમાં કઈ રીતે ઉતરે?
લેખક-નિર્દેશક અશ્વિન નાગે લિખાવટ પર થોડું વધુ ધ્યાન આપ્યું હોત, કથાબીજની જેમ પ્રેઝન્ટેશનમાં પણ કંઈ નવીન કર્યું હોત તો મજા આવત. 'બાહુબલી' જેવો અપ્રતિમ જલસો પડવાની શક્યતા હતી, પણ અફસોસ…
'કલ્કી' એ 'આદિપુરુષ' જેવો ફ્લોપ-શૉ તો નથી, પણ ઉપર નોંધી એ બધી હોલિવૂડ મૂવીઝ જોઈને બેઠા હશે એ લોકોને આ ફિલ્મ નિરાશ કરશે, બાકીનાને ગમી શકે છે.