કલ્કિ 2898 એડીની ભારતમાં કમાણી 500 કરોડને પાર
- વર્લ્ડ વાઈડ કલેક્શન 900 કરોડ
- હિંદી વર્ઝનમાં 200 કરોડથી વધુની કમાણી, વર્ષની પહેલી સુપરહિટ ફિલ્મ બની
મુંબઈ : પ્રભાસ અને દીપિકાની ફિલ્મ 'કલ્કિ ૨૮૯૮ એડી'એ ભારતમાં ૫૦૦ કરોડની કમાણી પાર કરી લીધી છે. તેનાં હિંદી વર્ઝનની કમાણી ૨૦૦ કરોડથી પણ વધુ થઈ ચૂકી છે.
આ ફિલ્મને અમેરિકા સહિત વિદેશી બોક્સ ઓફિસ પર પણ પ્રચંડ પ્રતિસાદ સાંપડયો છે અને તેનું વર્લ્ડ વાઈડ કલેક્શન ૯૦૦ કરોડને આંબી ગયું છે.
'કલ્કિ'ની હરીફાઈમાં હાલ બીજી કોઈ મોટી ફિલ્મ નથી. આથી સળંગ બીજાં વીક એન્ડમાં પણ તેને ફાયદો થયો હતો. ભારતમાં આ બીજા વીક એન્ડમાં તેની કમાણીમાં ૭૫ કરોડનો ઉમેરો થયો હતો.
ફિલ્મની ભારતમાં ૧૧ દિવસની નેટ કમાણી ૫૦૭ કરોડ નોંધાઈ હોવાનું ટ્રેડ વર્તુળોએ જણાવ્યું હતું. વર્તુળોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ વર્ષની પહેલી સુપરહિટ બની ચુકી છે. તેમણે કહ્યું હતું કે 'કલ્કિ'ને મળેલો પ્રતિસાદ સમગ્ર ભારતીય બોક્સ ઓફિસ માટે બહુ પ્રોત્સાહનજનક છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી માહોલ એવો હતો કે બિગ બજેટ ફિલ્મો બહુ ચાલતી નથી. પાછલાં બે વર્ષમાં 'સમ્રાટ પૃથ્વીરાજ' અને 'લાલ સિંહ ચઢ્ઢા' ઉપરાંત 'બડે મિયાં છોટે મિયાં' સહિતની બીગ બજેટ ફિલ્મો બોક્સ ઓફિસ પર પછડાઈ ચૂકી છે. તેના કારણે નિર્માતાઓને મોટાં બજેટની અને વિશાળ સ્કેલ પરની ફિલ્મો બનાવવાનો ડર પેસી ગયો હતો. હવે 'કલ્કિ' એ આ શંકાકુશંકાઓ દૂર કરી છે.