જસ્ટિન બીબરનું આજે મુંબઈમાં પરફોર્મન્સ: 83 કરોડની ફી લેશે

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
જસ્ટિન બીબરનું આજે મુંબઈમાં પરફોર્મન્સ: 83 કરોડની ફી લેશે 1 - image


- અનંત અંબાણીનાં લગ્ન પ્રસંગે કોન્સર્ટ માટે મુંબઈમાં આગમન

- જસ્ટિન બીબરના ઈન્સ્ટાગ્રામ પર 30 કરોડ ફોલોઅર્સ, 2350 કરોડ રુપિયાની નેટવર્થ : રિહાના કરતાં વધુ ફી મળશે

મુંબઇ : આંતરરાષ્ટ્રીય પોપ સિંગર જસ્ટિન બીબર આજે મુંબઈ આવી પહોંચ્યો હતો. તે આવતીકાલે મુંબઈમાં અનંત અંબાણીના લગ્ન પૂર્વે યોજાનારાં એક ખાસ કોન્સર્ટમાં પરફોર્મન્સ કરશે. જસ્ટિન બીબરને આ પરફોર્મન્સ માટે ૮૩ કરોડ રુપિયા જેટલી ફી નક્કી કરવામાં આવી હોવાનું કહેવાય છે. 

ગત માર્ચમાં જામનગર ખાતે અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ઉત્સવો વખતે પરફોર્મ કરવા માટે આંતરરાષ્ટ્રીય પોપ સિંગર રિહાના આવી હતી. તેને આશરે ૭૪ કરોડ રુપિયા ચૂકવાયા હોવાની ચર્ચા તે સમયે થઈ હતી. હવે રિહાના કરતાં પણ જસ્ટિન બીબરને વધારે ફી ચૂકવવામાં આવી રહી છે. 

મુંબઈના બીકેસી  ખાતેના જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવતીકાલે જસ્ટિન બીબરનું પરફોર્મન્સ છે. તે પહેલાં આજે તેના મુંબઈ આગમનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 

૩૦ વર્ષનો જસ્ટિન બીબર સોશિયલ મીડિયા પર મહત્તમ ફોલોઅર્સ ધરાવતા  ટોપ ટ્વેન્ટી વર્લ્ડ  સેલિબ્રિટીઓમાંનો એક છે. તેના ઈન્સ્ટાગ્રામ પર આશરે ૩૦ કરોડ જેટલા ફોલોઅર્સ છે. તેની  નેટવર્થ ૨૩૫૦ કરોડ રુપિયા હોવાનું  અંદાજવામાં આવે છે.  જસ્ટિન બીબર ટૂંક સમયમાં પિતા બનવાનો છે. તેણે તથા પત્ની હેલીએ હજુ થોડા સમય પહેલાં જ તેઓ માતા પિતા બનવાનાં હોવાની જાહેરાત કરી હતી. 

જસ્ટિન બીબર અગાઉ મુંબઈ આવી ચૂક્યો છે. અગાઉ ૨૦૧૭માં પણ મુંબઈમાં તેની કોન્સર્ટ યોજાઈ હતી. તેની પાર્ટીમાં આલિયા ભટ્ટ સહિતના સ્ટાર્સ પણ ઝૂમ્યા હતા.   તે વખતે જેક્લિન ફર્નાન્ડિઝે બોલીવૂડ સ્ટાર્સ સાથે જસ્ટિન બીબરની ખાસ પાર્ટી ગોઠવી હતી. પરંતુ,  આ પાર્ટી છેલ્લી ઘડીએ  કેન્સલ થઈ હતી.  મુંબઈ છોડતાં પહેલાં તેણે ગરીબ બાળકો સાથે ફૂટબોલ રમીને સૌનાં દિલ જીતી લીધાં હતાં. 

ચર્ચા મુજબ અનંત અંબાણીના લગ્ન પ્રસંગે અન્ય આંતરરાષ્ટ્રીય સિંગર્સ એડેલે, ડ્રેક અને લાના ડેલ રેયના પણ પરફોર્મન્સ યોજાય તેવી સંભાવના છે.  અગાઉ  ફ્રાન્સ-ઈટલી વચ્ચે ક્રૂ પર યોજાયેલા પ્રિ વેડિંગ ફંકશન્સ વખતે પણ  બેકસ્ટ્રીટ બોયઝ, પિટબુલ તથા ઈટાલિયન સિંગર એન્ડ્રીયા બોકેલીનાં પરફોર્મન્સ યોજાયાં હતાં. 


Google NewsGoogle News