પ્રસિદ્ધ અભિનેતા જૂનિયર મહેમૂદનું 67 વર્ષની વયે નિધન, 18 દિવસ પહેલા પેટના કેન્સરની થઈ હતી જાણ
ડૉક્ટરોએ કહી દીધું હતું કે તેમની પાસે ફક્ત બે જ મહિના હતા
આજે તેમને શુક્રવારની નમાઝ બાદ સુપર્દ એ ખાક કરવામાં આવશે
Junior Mehmood Demise: એક સમયમાં સૌથી પ્રસિદ્ધ બાળ કલાકાર તરીકે પ્રખ્યાત જુનિયર મેહમૂદ ઉર્ફે નઈમ સૈયદનું નિધન થઇ ગયું છે. તેમણે ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ સવારે 2.00 વાગ્યે મુંબઈના ખારમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 67 વર્ષના જુનિયર મહેમૂદ છેલ્લા કેટલાક સમયથી પેટના કેન્સરથી પીડિત હતા, પરંતુ થોડા દિવસો પહેલા જ તેમને આ બીમારી હોવાની જાણકારી મળી હતી.
દીકરાએ આપી માહિતી
જુનિયર મહમૂદના પુત્ર હસનૈને જણાવ્યું હતું કે માત્ર 18 દિવસ પહેલા જ તેમના પિતાને પેટના કેન્સર (છેલ્લો સ્ટેજ) હોવાની માહિતી મળી હતી. દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડીને કહ્યું હતું કે તેમના જીવનના માત્ર બે મહિના જ બચી ગયા હતા અને આવી સ્થિતિમાં તેમને હોસ્પિટલમાં રાખવા યોગ્ય નથી. આજે તેમને શુક્રવારની નમાઝ બાદ સુપર્દ એ ખાક કરવામાં આવશે.
કઈ કઇ ફિલ્મોમાં ભજવી હતી ભૂમિકા
જુનિયર મહેમૂદે 60 અને 70ના દાયકામાં પોતાના સમયના મોટા કલાકારો સાથે ઘણી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી હતી. પછીથી એક પુખ્ત કલાકાર તરીકે તેમણે ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું. નૌનિહાલ, મોહબ્બત જિંદગી હૈ, સંઘર્ષ, બ્રહ્મચારી, ફરિશ્તા, કટી પતંગ, અનજાના, દો રાસ્તે, યાદગાર, આન મિલો સજના, કારવાં, હાથી મેરે સાથી, છોટી બહુ, ચિનગારી, હરે રામ હરે કૃષ્ણ જેવી ઘણી ફિલ્મો અને કેટલાક ટીવી શોમાં પણ કામ કર્યું હતું.